તાત્કાલિક કામ કેમ થતું નથી?


છેવટે મારે પેલા સોહમને ટકાનું પૂછવાનું તો રહી જ ગયું. મને એ પૂછવામાં મુઠભેડ થવાની શકયતા લગતી હતી. એટલે પછી બીજા થોડા કામો પતાવવાનું નક્કી કર્યું પણ સોહમને ફોન પછી જ કરીશું એવો પ્લાન કર્યો. પછી એવું નક્કી કર્યું કે કાલે સવારે જ વાત કરીશું. પણ સવારે બીજા કામો હતા અને આ કામ મૂળે ગમે એવું હતું નહિ તે એવું નક્કી કર્યું કે સાંજે જ કરવાનું હોય ને ! પછી સાંજે તો આપણે ગેઈમમાં જવાનું હતું. તે વળી પાછુ બીજા દિવસે. તે આમને આમ પાંચ દિવસ વીતી ગયા. છેવટે એ વાત એટલી બગડી કે એમ થાય કે જયારે વાત કરવાની હતી એ જ વખતે કરી લીધી હોત તો.

આમ છતાયે ગમે એટલું નક્કી કરો તો પણ આવા પ્રસંગ બનતા જ રહે છે. જે કામ આજે જ કરવું જોઈએ એ ટાળીને કાલે, પછી પરમ દિવસે, પછી પંદરમાં દિવસે અને છેવટે એ કામ જયારે જવાળામુખીની જેમ ફાટે ત્યારે જેવું થાય એવું કરો. એટલે એ કામ કરવાની આળસ છે એટલે એવું થાય કે પછી કામ કરવાનું નથી ગમતું એટલે?

એમાં એવું છે કે માણસને મારવા કરતા વધુ ડર અણગમતી પરિસ્થિતિનો સામનો કરવામાં લાગે છે. એક વાર બારમાં ધોરણમાં મારે પીલીમની પરીક્ષામાં મારું રીઝલ્ટ આવ્યું નહતુ. અમારા R. J. Patel સાહેબે મને બોલાવ્યો અને મારા દેખાતા જ પેપર તપાસવાના શરુ કર્યું. તે મને તો બેઠા બેઠા પરસેવો વળી જાય. બધું સાચું લખ્યું હોય છતાયે કઈક ભૂલ રહી ગઈ હોય તો એવું ટેન્શન થાય. આ ડર પરિસ્થિતિનો સામનો કરવાની વાત છે.

આપણે કરવાનું કામ ના કરીએ એમાં આળસ સિવાય મુઠભેડનો ડર ઘણે ભાગે ભાગ ભજવે છે. એટલે હું કેટલીયે વાર નક્કી કરું કે આ વખતે છેલ્લી વાર. હવે આવું નહિ થવા દઈએ. પણ થોડા સમયમાં હતા એવાને એવા. હું એક વારની અણગમતી પરિસ્થિતિ ટાળવાને સારું બીજી કેટલીયે વધુ મુશ્કેલીઓ વહોરી લઉં છું. બોસ પાસે પગારની માંગણી ના કરીને વર્ષો સુધી આપણે ઓછા પગારથી જ ચલાવી લઈએ છીએ.

મુળે લોકોને સારું લગાડવા માટે હું એ પ્રકારની વાત જ ટાળું. એને કારણે ફાયદો પણ થાય. આપણે હંમેશા સારા લાગીએ. પણ એને કારણે ઘણી જ અગત્યની વાતો બાજુ પર રહી જાય. અને છેવટે જો એ કામ કરવું જ પડે એવું હોય તો હમણા ટાળવું શું કરવા?

અંગ્રેજી ચોપડીઓમાં આને Procrastination કહે છે. એના પર કેટલીયે ચોપડીઓ લખાયેલ છે અને મનોવૈજ્ઞાનિકોએ PHD કરેલા છે. Procrastination ના કેટલાયે કારણોની શોધ કરવામાં આવી છે. આળસ, કામ ના કરવાની ઈચ્છા, એક સામટું કરી લઈશું એવી મનની ધારણા ને બીજા કેટલાયે સંશોધન થયેલા છે.

મારો સહુથી અગત્યનો પ્રશ્ન છે કે મુઠભેડ થાય કે માથાકૂટ થાય, કોઈકની જોડે કચકચ કરવી પડે એવી હોય, ઉગ્ર દલીલો કરવાની હોય, ભયંકર વાદ વિવાદની શકયતા હોય એવા કામો તરત તો નથી જ પતતા. કોકની જોડે વાત કરતા હોઈએ અને આવો કોઈક વિચિત્ર ફોન આવે તો હું એ તત્કાલ કે તુરંતમાં પતાવી દેવાને બદલે એને રહેવા દઉં. એટલે એ કામ વધુને વધુ વિકરાળ થતું જાય અને એની દુરોગામી અસરો વધુને વધુ ખરાબ થતી જાય.

આવા કામને કેમ પૂરું કરવું? મારા ઘણા મિત્રોને મેં આ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન દરેક વ્યક્તિના જીવનમાં આવે જ. ઘણા લોકો સામા વ્યક્તિની ખાસ સાડાબારી રાખતા નથી. આ આવું જ છે. તમને ફાવે તો ઠીક નહીતર કઈ નહિ. નહીતર એવું કે જસ્ટ ડુ ઈટ. કોઈકની રીત એવી કે રોજ એક નિશ્ચિત સમય એવો ફાળવવો કે ત્યારે જ આવા વિચિત્ર કામો કરવા બેસવાના. ત્યાં સુધી વિચાર પણ ના કરવો કે એ કામ છે. આ બધી સખત ટ્રેનીંગની વાત છે. જયારે ઘમાસાણ માથાકૂટ સામે ઉભી હોય ત્યારે એવું યાદ આવે કે આ વાત મગજ પર હાવી થવા દેવાની નથી એવું કરી શકાય ખરું?

આના ઘણા બીજા રસ્તાઓ પણ છે. કોઈ ઉંચી પદવીવાળા માણસ હોય તો આવું કામ કોકને સોંપી દે. એ પણ એક રસ્તો છે.

તમારી સામે પરિસ્થિતિ ઉભી હોય અને એનો સામનો કરવો ના ગમે એવો હોય તો પણ કરી લેવો જેથી કરીને એમ ના કરવાથી થતા મોટા નુકસાનોમાંથી બચી જવાય. ધારોકે એવું છે કે આપણે અત્યારે પુરેપુરી વાત કરવા માટે તૈયાર નથી. તો જેટલા તૈયાર હોવ એટલી વાત કરી લેવી. કારણકે જો અત્યારે તૈયાર નથી તો કયારેય તૈયાર નથી રહેવાના. ઘણા લોકો મનગમતી છોકરીને પૂછવામાં રહી જાય. કોક વાર અમુક અગત્યની વાત ટાળવાને બહાને છોડી દો, તો એનો અર્થ એવો પણ નીકળી શકે કે આપણે અપ્રમાણિક છીએ. તો ઘણી વાર તમારો ખોટો ઈરાદો છે એવું કારણ વગર પ્રસ્થાપિત થઇ જાય. એટલે ખુલ્લંખુલ્લા અને ચોખ્ખી વાત કરવી હંમેશા આગળ પડે. જો બધું એક જ વારમાં ના ફાવે તો બીજીવાર વાત કરીને સાચો સંદેશ કહેવો પણ વાતને મોઘમ (અધ્યાહાર) રાખવી એ ગુનો કરવા જેટલું ખતરનાક છે. અને ધારો કે એ કામ ખોટું થઇ ગયું તો? તો પછી સુધારવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ કામ ટાળો અને એ આપમેળે સારું થઇ જશે એવું માની લેવા કરતા, તમારાથી થયું એવું પણ તુરંત કર્યું હોય એ સ્ટ્રેટેજી આગળ પડે. દર વખતે આ વાત સફળ રહે એવું જરૂરી નથી. પણ મોટે ભાગે વિચિત્ર કામ ટાળો એના કરતા કામ કરો એ વધુ સારી કાર્યપદ્ધતિ કહેવાય

દરેક નવો દિવસ નવી ટ્રેનીંગ આપે છે. આ ટ્રેનીંગને આત્મસાત કરીને તરત કામ કરી શકાય તો એ મન પરનો વિજય છે. ખરેખર મારી દ્રષ્ટીએ આવું જો સિદ્ધ કરી શકાય તો ખરેખર બહાદુરી એને જ કહેવાય.  છતાયે જો આવો પ્રશ્ન ઉભો રહેતો હોય તો એને સોલ્વ કરવો એ જ સાચો રસ્તો છે.

 

 

Posted in Uncategorized | Leave a comment

તમારો એપેટાઇટ કેવો છે?


પુસ્તકેષુ હી યા વિદ્યા, પર હસ્તેષુ યદ ધનમ, ઉન્ત્પન્નેષુ ચ કાર્યેષુ, ના સા વિદ્યા, ન તદ ધનમ્. સંસ્કૃતના શ્લોકની વ્યાખ્યા ડૉ. ગદાણીના મુખેથી સાંભળીએ. અમારા એક એન્જીન્યરીંગના સાહેબ. ડો. ગદાણી. એ અમને કહેતા કે પુસ્તકો અને મગજ વચ્ચે ઇન્ડકશનનો સંબંધ નથી. અર્થાત પુસ્તક ઓશિકા નીચે રાખીને સુઈ જઈએ એટલે એમાં રહેલું જ્ઞાન મગજમાં ડાઉનલોડ થઇ ના જાય. પુસ્તકોમાં અપરંપાર જ્ઞાન અને માહિતી અને ટ્રેઈનીંગ ભરેલી છે. એમાંથી આપણે ઉપયોગ કેટલો કરીએ એ આપણા પર છે.

આપણે આપણી ક્ષમતાનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ આપણને જ ખબર નથી. એનું કારણ એ છે કે આપણને શું જોઈએ છે, આપણને શું ગમે છે એ આપણા મનમાં/હ્રિદયમાં ખુબ ઊંડે ધરબાયેલું છે અને એને શોધવું અઘરું છે. એને કારણે કેટલીયે વાર આપણે ઘરેડમાં (રૂટીન) આવીને એકનું એક કામ કર્યે જ રાખીએ છીએ. (ઝીંકે રાખો બાપલીયા) એમાંથી કેટલાયે કામો શા માટે, કેમ કરીએ છીએ, ફરીથી કરીશું કે નહિ એની ખબર નથી. બસ આ રૂટીન છે અને કરવાનું છે.

આપણે દોડવું છે પણ ઢાળ નથી મળતો. એક માનવ તરીકે આપણી કેપેસીટી કેટલી અપરંપાર છે? છતાંયે એમાંથી કેટલીયે ક્ષમતા આપણે વેડફી કાઢીએ છીએ. આપણી આંખ કહે છે કે ૫૭૬ મેગપિક્ષેલનો લેન્સ ધરાવે છે. આવી તો કઈ કેટલીયે ખૂબીઓ આપણી પાસે પડેલી છે પણ આપણે એને ધરબાયેલી રાખીએ છીએ. એનું કારણ શું છે?

ધારો કે આપણને કોઈ વ્યક્તિ એક જુનો ઉપગ્રહ (સેટેલાઇટ) વેચે તો શું કરવું? એ સેટેલાઇટ હજારો માનવ કલાકોની મહેનતના અંતે બનેલો હોય. પણ આપણને એ સેટેલાઇટ કેમ વાપરવો એ ખબર નથી. ભેલેને એનું મૂલ્ય મિલિયન ડોલર હોય પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ એમ નથી. કારણ કે આપણને એનો ઉપયોગ કેમનો કરવો એ આવડતું નથી.

એવું જ આપણી બાબતમાં છે. ધારો કે કોઈ કંપનીમાં આપણે વીસ વર્ષ કામ કર્યું હોય તો આપણો અનુભવ વીસ વર્ષનો કહેવાય. પણ એકનું એક કામ દર વર્ષે રીપીટ કાર્ય કરતા હોય તો આપણો અનુભવ ફક્ત એક વર્ષનો જ કહેવાય. આપણું એવું છે કે આપણે એકનું એક કામ પુનરાવર્તન કરતા રહીએ છીએ. એટલે એવું થાય કે આપણને નવું કરવાનો આપણો એપેટાઇટ જ એકના એક કામ કરવામાં સમાઈ જાય છે. એટલે નવો વિચાર, નવી વાત નક્કી કરીને નવું કામ કરવાની ઝુંબેશ આપણી પાસે આવતી જ નથી.

પણ એમાં મૂળ પ્રશ્ન ફરીથી એ છે કે આપણને જીવનમાં શું કરવું અને કર્યા જ કરવું એની બરાબર ખબર નથી. આપણને કશુક નવું / ગમે એવું કરવાની ઈચ્છા નથી થતી એવું નથી. એવું કશુક કરવાની ક્ષમતા નથી એવુંયે નથી. પણ પ્રશ્ન એ છે કે નવું કશુક કરવાનું આપણને જડતું નથી. તમારા હાથમાં બંદુક છે અને એમાં ગોળી પણ છે. પણ ગોળી ચાલવાની કક્યાં એ ખબર ના હોય તો બંદુક વાપરવી કઈ રીતે?

તે આપણા મનને ગમે એવો ખોરાક પુરો પડવો કઈ રીતે? આપણી રોજ-બરોજની જવાબદારીઓ એટલી બધી હોય કે આપણે એમાંથી ઉંચા જ ના આવીએ. આપણને કોઈ એમ કહે કે બોસ, એક જોરદાર ચોપડી આવી છે, વાંચવા લાયક છે. ભાઈ, એ ચોપડી તું તારે ત્યાં રાખ. મારી પાસે વાંચવાનો ના સમય છે ના ઈચ્છા. કે પછી જીમ જોઈન કરવાની વાત હોય. તો આપણે એમ કહીએ કે એટલો સમય જ નથી કે જીમમાં જઈ શકીએ. અરે તું નહિ માને પણ મને આ મહિને વાળ કપાવવાનો સમય પણ મળ્યો નથી. કોઈક નવો ટ્રેનીંગ કોર્સ આવ્યો હોય જેમ કે તમારી નેગોશિયેશન શક્તિ કઈ રીતે ખીલાવશો? એને કહે કે ભાઈ મને અઠવાડિયે એક કલાક વધારે ઊંઘવાનો આપી દે તો હું આપો-આપ જ એ શીખી જઈશ. આર્ટ ઓફ લીવીંગ વાળા શ્રી રવિને ક્યાં રોજ બોસ જોડે લમણાં લેવાના છે!?

મારે તો જો હું આઠ કલાકની નીંદર લઉં એટલે જ ભયો ભયો. એનાથી વધુ મારે બીજું શું જોઈએ. અને વાતેય ખરી છે. આપણા કામોની સંખ્યા જુઓ તો એમ જ લાગે કે ખરેખર તો આપણે સુપર હ્યુમન છીએ. જોબ પર આપણે કોણ જાણે કેટલુંય કામ કરી નાખીએ. બાળકોના કેટલા કલાસીસ ચાલ્યા કરે? અને એમાં પછી બર્થડે પાર્ટીમાં કોણ જશે? અને પેલા શૈલેશની વાઈફ બીમાર પડી છે તો ત્યાં ટીફીન મોકલવાનું છે. ઇન્ડીયામાં ષષ્ટિપૂર્તિની ઉજવણી છે તો માસાને ફોન કરવાનું ભુલાય નહિ. ઘરમાં બાથરૂમના શાવરની ક્લીપ નીકળી ગઈ છે તો એ લીક થાય છે. અને આ ઘરમાં ગ્રેનાઈટનું પ્લેટફોર્મ કરવાનું છે એ તો ચાર વર્ષથી બાકી છે. અને ગ્રુપોનના પચાસ ટકા યોગાની કુપન એક્સપાયર થવા આવી છે. અને આ વર્ષનું ટેક્ષ, મકાન વેરો, સબસ્ક્રિપ્શન રીન્યુઅલ, વાર્ષિક મેડીકલ ચેકપ,…….

“તારે જમીન પર” મુવીમાં બતાવે એવું કે ઘડિયાળને ટકોરે જીવવાનું. ઉઠવામાં પાંચ મીનીટ લેટ થઇ જાય તો જીવનની સાઈકલ ખોટકાઈ જાય. આખી પુરપાટ દોડતી ટ્રેન ચીચીયારી મારતી ઉભી રહી જાય. બધું જ ખોરવાઈ જાય.

ચોપડીઓ તો વાંચવી છે પણ આજે નહિ. જીવનના નવરાશના સમયે જ વાંચીશું. અલાસ્કાની ધ્રુવીય પ્રદેશની લાઈટો જોવી છે. પણ એ આજે તો નહિ જ. આજે તો કામ એટલું છે કે શ્વાસ ખાવાનું ભૂલી જાઉં પણ તો એ દોડ્યા કરું. એમાં ઘરને નવો કલર કરવાની ઈચ્છા તો સહુથી છેલ્લા ક્રમમાં કાં તો લીસ્ટમાં જ ના હોય.

તો આ બધા અનિવાર્ય કામના હુમલાઓમાં આપણે નવું કશું શોધી કેમનું શકીએ? આપણે દોડવું છે ને ઢાળ મળ્યો એવો ઘટ તો કરી જ કેમનો શકીએ? આપણો જે પ્રકારનો એપેટાઇટ હોય તો એને શોધવા જવો ક્યાં? શોધવા જવાનો સમય ક્યાં છે?

એટલે આપણે આપણા એપેટાઇટને ક્યાં વાપરીએ છીએ? વોટર પાર્કમાં જઈને ધુબાકા કરીએ, જોબ પર લાંબા પહોળા કામો પુરા કરીએ. કલાકો સુધી ગપ્પા મારીએ. ઘણા કલબોમાં જઈને મોજ-મસ્તી કરે. ઘણા સમાજસેવા પર રીત સરનો હુમલો જ કરે. જાણે કે સમાજસેવાનો એટેક આવ્યો હોય. કોઈક વળી પુસ્તકોમાં ખોવાઈ જાય. મુનશી પ્રેમચંદ પર સંશોધન કરી નાખે. કે પછી ગોલ્ફ રમવામાં સમય પસાર થઇ જાય.

પણ અનુરાગની વાત અલગ છે. અમારા એ મિત્ર તદ્દન અધ્યાત્મિક થઇ ગયા છે. એમને અધ્યાત્મ તરફ એટલું બધું (અરે એટલું બધું) વાંચી નાખ્યું છે. દરેકે દરેક ધર્મના પુસ્તકો, એની ફિલોસોફી, ભાગવત, ગીતા, કુરાન જેટલું હાથે આવ્યું એટલું બધું જ. એના માટે હજારો ડોલર ખર્ચી નાખ્યા. ક્યાં કશુક કૈક જાણવા મળે, નવી વાત જોવા મળે (અધ્યાત્મ રિલેટેડ) એટલે એ પહોચી જ જાય. હકીકતે મનના ઊંડા એપેટાઇટને આમને અધ્યાત્મ તરફ વાળી દીધો છે. એમને એ કરવામાં આનંદ પણ ઘણો જ આવે. જીવનનો ધ્યેય સંપૂર્ણપણે ફક્ત અને ફક્ત આ બધું જાણવા માટે જ. એટલે ક્ષણે-ક્ષણનો હિસાબ કરવામાં આવે તો જાગરુકતા સાથે (કોન્સીયસ્લી) સમય એમાં જ પસાર થઇ રહ્યો છે એવું લાગે.

પણ મને પ્રશ્ન એ થાય કે મને શું ગમે છે એની મને જ ખબર નથી. મારો એપેટાઇટ શેનો છે? કઈ વસ્તુ હું હજારો અને લાખો વાર કર્યા જ કરું, અને આનંદથી હંમેશા કર્યા જ કરું? આજે તો મૃત્યુ આવે તો ય અફસોસ નથી, મેં દરેકે દરેક પળને માણી છે, મને ગમે એ કર્યું છે. મારું જીવન જેટલી વાર આવે એટલી વાર એકઝેટ હું આવું જ ફરીને ફરી કરું. એવું કઈ રીતે શોધવું?

દરેક માણસ અલગ હોય છે એટલે એની ઈચ્છાઓ પણ અલગ હોય. જેમને સરહદ પર જઈને લડવાનું ગમે એને કોલેજમાં ભણાવવાનું જરાયે ના ગમે. જેમને કુંના વાઈસ પ્રેસિડેન્ટ થવાનું ગમે એને ચીફ આર્કિટેક્ટ થવાનું ના ગમે. દરેકનો એપેટાઇટ અલગ હોય.

આપણો પ્રશ્ન એ છે કે આપણે આપણો એપેટાઇટ શું છે એ શોધવાને પ્રાધાન્ય આપતા જ નથી. એટલે એવું થાય કે આપણે સામે જે આવ્યું એ ખાઈ લઈએ છીએ. આજે ખીચડી પીરસી છે તો એ ખાઈ લીધી ને કાલે પૂરી-શાક છે તો એ ખાઈ લીધા (વાત શું ભાવે અને ના ભાવે એની નથી, વાત આપણને કેવા કામો કરવા ગમે અને ના ગમે એની છે). પણ આંપણને ખરે ખર શું ગમે છે એ શોધવા માટે બરાબર સંશોધન કરવું પડે આપણી જાતનું. અને એ પણ હજારો કાર્યોમાં અટવાયેલા હોય ત્યારે. એ સંશોધન કરવા માટે સમય અને શક્તિ ખર્ચવા પડે. આળસ છોડી ઉભા થઈને જાત જાતના પ્રયોગો કરવા પડે. કેટલાય પ્રયોગો જોખમી નીવડી શકે (કારણકે એ આપણી રૂટીન લાઇફને ખોરવી શકે એવા હોઈ શકે.) તે એવું કોઈએ કર્યું છે?

જેમને અધ્યાત્મમાં ખુબ રસ હોય અને એને જ પોતાની પ્રાયોરીટી બનાવી હોય એમને એવું કર્યું છે એવું કહેવાય. નરસિંહ મેહતાએ એવું કર્યું હતું. સચિન તેન્ડુલકરે એવું કર્યું છે. ક્રિકેટ એટલી હદે ગમે કે એમાં તમામ સીમાડાઓ વટાવીને કામ કર્યું. તો ય ખુબ જ ખુશ રહીને. સત્યજીત રેએ એવું કર્યું. અમિતાભ બચ્ચને એવું કર્યું. અભિનયમાં બેહદ રસ. અને અભિનયને જ જીવન બનાવી દીધું. કે પછી ધીરુભાઈ અંબાણીએ કર્યું. એમને જે કરવું હતું એ સતત કર્યે રાખ્યું.

આપણે એવું કશું ફૂલ થ્રોટલ વાળું કામ કેમ નથી કરતા? એમાં સહુથી મોટો પાયાનો પ્રશ્ન છે કે આપણને શું કરવું એની ક્લીયર કટ સમજ નથી. અને એવી સમજણ ઉભી કરવા માટે ઘણા જ પ્રયત્નો કરવા પડે. મને શું ગમે છે એ શોધવાનું કામ સરળ નથી. એના માટે આળસ છોડીને મનોમંથન કરવું પડે. તો આપણને ખબર પડે કે આપણે કેવા પ્રકારનું કામ કરી શકીએ. ડૂબતો માણસ હવાતિયા મારે ત્યારે જે તીવ્રતાથી બચવાનો પ્રયત્ન કરે છે એવી તીવ્રતાથી આપણે આપણો પેશન નથી શોધતા. જેમને શોધ્યો છે એમને જડ્યો છે. બાકી તો મારો એપેટાઇટ શું છે? જોબ પર જવું કારણકે કમાણીનું સાધન છે, આવશ્યકતા છે એટલે નહીકે પેશન છે.

 

 

Posted in Uncategorized | Leave a comment

શું આપણે ઇન્સીક્યુર છીએ?


આપણે જયારે સ્કુલ કે કોલેજમાં ભણતા હોઈએ ત્યારે પરીક્ષાના આગળના દિવસે મન પર કેવો બોજો રહે? આપણને સતત નર્વસનેસ લાગ્યા કરે. મને એવું થાય કે બધું આવડતું હોય છતાંયે એક વાર ફરી રિવિઝન કરી લઉં એમ થાય. અને બીજી વાર વાંચીએ ત્યારે એકાદ પોઈન્ટ એવો મળે જે જાણે નવેસરથી જ સમજ્યા હોઈએ. ઘણીવાર તો છોકરો પપ્પાની પાછળ સ્કુટર પર આવતા હોય ત્યાં પાછળ બેઠા બેઠા પણ વાંચતા જોવા મળે. પરીક્ષાની અંતિમ ક્ષણ સુધી વાંચવાનું, રિવિઝન, ગોખવાનું એવું ચાલતું જ હોય.

પણ પરીક્ષાનું દબાણ ઘણું જ હોઈ શકે. બારમાં ધોરણમાં મારો એક મિત્ર, નીરજ રાઠોડ. તે એક વાર એવા સમાચાર આવ્યા કે પ્રીલીમની પરીક્ષાના કોઈક પેપર દરમિયાન એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. કારણકે નર્વસનેસ અને છેવટે તાણ એટલી બધી વધી ગઈ કે બ્લડ પ્રેશર કાબુ બહાર જતું રહ્યું. અને એક-બે દિવસમાં તો બધું ઠીક-ઠાક પણ થઇ ગયું. સહુ અત્યારે પોત-પોતાની લાઈફમાં સેટ પણ થઇ ગયા છે (ફેસબુક!)

એક વાર તો એવું થયું કે દસમાં ધોરણમાં એક જણની એટલી બધી (વધુ) તૈયારી કે પરીક્ષાના સમયે સંતુલન જ ગુમાવી દીધું. અને પાછા આ બધા ખુબ હોશિયાર છોકરાઓ. પણ પરીક્ષાનું દબાણ એવું આવે કે ભયંકર પરેશાની થઇ શકે.

આપણે આ નર્વસનેસના શિકાર એટલા માટે થઈએ છીએ કે આપણને કશુક મેળવવાની ઝંખના છે. એટલે આપણે એના માટે ખુબ પ્રયત્ન કરીએ છીએ. હકીકતે મારી દ્રષ્ટિએ એ મનમાં પડેલી ઇન્સીક્યોરીટી છે. આપણને કશુક મેળવવું છે અને એ હાથમાંથી ના જતું રહે એનો ડર લાગે છે. એવો ડર લાગે છે કે કોઈ કોઈ વાર માનસિક સંતુલન પણ ગુમાવી દઈએ છીએ.

ઇન્સીક્યોર અનુભવ કેટલીયે વાર થાય. એ બધાના મૂળમાં કશુક હાથમાંથી જતું રહેશે તો એવી જ ભાવના હોય છે. કેટલાયે ધનિક લોકો, અકલ્પનીય આર્થીક સમૃદ્ધિ ધરાવતા લોકો ખુબ જ ધાર્મિક હોય છે. એ લોકો સતત ભગવાનની શ્રદ્ધા પૂર્વક પૂજા કરતા હોય છે, એમાં પાર્શિયલી એવું પણ ખરું કે મેળવેલી સમૃદ્ધિ ખોવાઈ જશે તો એવો એમને ડર હોય છે. એ ડરને કારણે લોકો ભયમાં જીવતા હોય છે. એટલે એવું નથી કે એ લોકો જયારે પણ મળે ત્યારે ગભરાયેલા હોય પણ અંદરખાનેથી સાધારણ એવું થાય કે “પ્રભુ, તારી કૃપા ચાલુ રાખજે અને જીવનભર સમૃદ્ધિ આપ્યા કરજે”

મંદિર હોય એ જગાએથી પસાર થઇએ ત્યારે મંદિર જવું છે કે નહિ એ નક્કી ના હોય એવું બને. એમાં એવી વાત છે કે જો મંદિર જવાનું અનુકુળ ના હોય તો એવું પૂછવું જ નહિ કારણકે મંદિર જવું છે એવું પૂછ્યા પછી જો મંદિર ના જઈએ તો આપત્તિ આવી શકે. મન આવી બધી વાતો ઘડી કાઢે કારણ કે મનને કશુક જતું રહેશે એનો ડર લાગતો હોય છે. એટલે એ વર્તમાન પ્રણાલીને ખોરવવા માંગતું નથી.

એ ઇન્સીક્યોરીટીને કારણે આપણે બાધાઓ રાખીએ છીએ, બલિદાન આપીએ છીએ (કે મીઠાઈ નહિ ખાઈશ) એવું બધું. ભાવિન પારેખની વાત, એને ભણવાનું પૂરું થયું પછી નોકરીના ઘણા પ્રયત્નો કર્યા પણ ઇકોનોમી જ એવી કે ફાઈનલી ઇન્ડિયા જવાનું નક્કી કર્યું. પણ મનોમન બાધા લીધી કે ડલાસના મંદિરમાં જો નોકરી મળી જાય તો નાળીયેર ચડાવીશ. ઈન્ડિયાની ટીકીટ પણ કાઢવી લીધી અને આગલે દિવસે રાત્રે જોબનો કોલ આવ્યો. તો એને ડલાસના મંદિરમાં અગિયાર નાળીયેર ચડાવ્યા. અને એ અગિયાર નાળીયેર અગિયાર જુદા જુદા ભગવાનને,! કુલ્લે ૧૨૧. આમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને અસત્ય સાબિત કરવાની વાત નથી. પણ વાત છે ઇન્સીકીયોરીટીની. આપણે જયારે ઇન્સીક્યોર હોઈએ ત્યારે કેવું કેવું કરી નાખી શકીએ?

આપણે ત્યાં એક વાર વૈષ્ણોદેવીના મંદિરમાં ભાગદોડ થઇ એમાં કેટલાયે લોકો મરી ગયા એવા ખબર વાંચ્યા હતા. એમાંથી કેટલાયે લોકો શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરવા આવતા હોય ત્યારે શ્રદ્ધા અને ભય બંને એક સાથે ઘૂંટાયેલા જોવા મળે. મરી ગયેલા કેટલાયે લોકો માતાજીના દર્શન કરવાની સાથે કૃપાની માંગણી કરવા આવ્યા હોય. એમની ઈચ્છા એવી હોય કે ભગવાન એમની સમૃદ્ધિ જે પણ હોય એ સતત ચાલુ રાખે.

આપણે જીવનમાં ભય પામીએ છીએ જ શું કરવા? અને ઇન્સીક્યોર રહીએ છીએ જ શું કામ? પરીક્ષા આવે તો ગજા બહારનું ટેન્શન થઇ જાય. દરરોજ ઉઠીને પૂજા કરવાનો નિયમ, સાહેબ સમજોને પાછલા બાવીસ વર્ષથી તોડ્યો નથી. આપણા શરીરને માફક આવે કે નહિ પણ જમીને ઉઠયા પછી જો અન્નનો દાણો સેવા કર્યા વગર નાખ્યો હોય તો મારા મનુના સમ. જે મળ્યું છે એ ખોવાઈ ના જાય અને જો કશું મળ્યું નથી તો એ મળે એવી આપણી પ્રબળ ઈચ્છાને કારણે આપણે ઇન્સીક્યોરીટીમાં જીવતા હોઈએ છીએ.

એટલે હું આજે સવારે ઉઠ્યો તો ટેન્શનમાં હોઈશ કે હવે કશું થશે તો? દરેક ક્ષણે મનમાં ઇન્સીક્યોરીટીના જ વિચારો ઘુમરાયા કરતા હોય? એવું તો થતું નથી, જરાયે નથી થતું. તો પછી ઇન્સીક્યોરીટી તો છે જ પણ રોજેરોજ કેમ દેખાતી નથી? એનું કારણ એ છે કે આપણી ઇન્સીક્યોરીટી અલગ અલગ સ્વરૂપે પ્રગટે છે.

આપણે ત્યાં ઈન્ડિયામાં કેટલાયે લોકોની ખ્વાહિશ શું હોય? સ્કુલમાં ખુબ ખુબ ભણવું અને “સાયન્સ” લેવું. સાયન્સ પાસ કર્યા પછી કોઈ સારી મેડીકલ કે ઈજનેરી કોલેજમાં પ્રવેશ લેવો. પછી એક સ્ટેબલ જોબ લઇ લેવી (કે દવાખાનું ખોલવું). મેરેજ અને પછી બાળકો સાથે સમય પસાર કરવો. એ દરમિયાન કશુક એક્સ્ટ્રા કરવું? તો અમુક લોકો મ્યુઝીક કલેક્શન કરે, અમુક લોકો ખરીદી અને ફરવામાં સમય પસાર કરે. એટલે આ બધું કરવું બેશક કશું ખોટું નથી.

પણ આ પિક્ચર પરફેક્ટ સ્ટોરીમાં ખામી ક્યાં રહી જાય છે? આવી ખ્વાહિશ પૂરી કેટલાની થતી હશે? હજારો અને હજારો લોકોની. થોડા ઘણા ડાયવર્ઝન આવે પણ અંતે ઘીના ઠામમાં ઘી ઢળીને રહે. ખાધું, પીધુને રાજ કીધું એવી વાત છે. વાત દેખાય એટલી સરળ નથી પણ મહેનતને અંતે લોકો સેટલ થઇ જતા હોય છે. અમુક અપવાદોને બાદ કરતા આ વાત સફળ થતી જોવા મળતી જ હોય છે.

પણ આમાં એક ખુબ મોટી વાત એ છે કે આવો રસ્તો આપણા સમાજે શોધીને રાખ્યો છે. પપ્પા-મમ્મી તમને આવું બધું કરવાનું શીખવે, સમાજ આપે અને ટ્રેઈન પણ કરે. અને આપણે લોકો ખુબ જ સરસ રીતે ટ્રેઈન થઇએ પણ ખરા. એક સરસ ડીગ્રી હાંસલ કરી લઈએ, પછી કોઈ મલ્ટીનેશનલ કુંમાં સરસ જોબ પણ શોધી કાઢીએ. એન્જીનીયર થયા હોઈએ તો હજીરા, સુરત ખાતે એસ્સાર, રિલાયન્સ કે અઈપીસીએલ, બરોડા એવે બધે જોબ મળે તો કેવા રાજી થઈએ! સોસાયટીમાં ને જ્ઞાતિમાં પેંડા વેચીએ. બાબો હવે ઠરીઠામ થઇ ગયો છે. હવે ઘરમાં વહુ લાવી દો એટલે તમે ય પરવારો અને અમે ય પરવારીએ (!!)

પણ આવી જોબ આપણને કરવી ગમતી ના હોય તો? તો એ શું થાય? ખેંચે રાખીએ. અને એ જ જોબમાં રીટાયર પણ થઇ જઈએ. સાયન્સ ભણવાની ઈચ્છા જ ના હોય તો? તો પણ આપણે સાયન્સ લીધું હોય અને લોકો કરે છે એટલે આપણે પણ રેડોક્સ પ્રક્રિયાનું રસાયણ ભણીએ કે સરળ આવર્ત ગતિના નિયમો ભણીએ. આપણો ધ્યેય શું છે? આપણો ધ્યેય એ છે કે જે પિક્ચર પરફેક્ટ સિચ્યુએશન છે એમાં કઈ રીતે બંધાઈને રહેવું? અને જીવનને એમાંથી સહેજે આઘા-પાછા થવા ના દેવું.  એન્જીન્યરીંગમાં આપણને ટોર્ક માપતા આવડતું ના હોય છતાંયે એ બધું ધક્કેલ પંચાની જેમ ભણ્યા કરીએ, કારણ કે આપણી ખ્વાહિશ ફક્ત ડીગ્રી લેવાની હોય છે. ભણ્યા, ના ભણ્યા, કેવું ભણ્યા એ જોવાનું કામ આપણું નથી. આપણું કામ એક પ્રીડિફાઈન રસ્તાને કઈ રીતે ફોલો કરવો એ છે.

પછી જોબ ગમે છે કે નહિ એવો તો વિચાર પણ મનમાં આવતો નહિ હોય. જોબ એટલે શું? કમાણીનું સાધન. એનાથી સમાજમાં કોઈ વેલ્યુ એડ થાય છે? હું મારી જોબ પર ગર્વ અનુભવું છુ (એમાંથી કેટલા પૈસા આવે છે એ રીતે નહિ). આપણને જોબ કેટલી ગમે છે એની લગભગ બહુ પડી નથી હોતી. આપણો રસ પેકેજ કેટલાનું છે, બેનિફિટ્સ એવું બધો વધુ હોય (આ વાત બધાને લાગુ નથી પડતી, જેને લાગુ પડે એને પડે). આપણો ધ્યેય હતો અમુક પગાર વાળી “જોબ” લેવી (શું કામ કરવાનું છે, ગમે છે, નથી ગમતું એ બધાનું કોઈ મહત્વ નહિ)

એનું કારણ એ છે કે જો કૈક બીજું કરશું તો લુંટાઈ જાશું તો? (સાયન્સને બદલે આર્ટસ લેવાય ખરું?) ફરી અહી ઇન્સીક્યોરીટી આવે છે. આપણે કેટલીયે વાર વાંચીએ છીએ કે તમને ગમે એ કામ કરો. તો લોકો એવું કરતા કેમ નથી? ગમે એવું કામ કે નોકરી કરવી એ તો સારી વાત છે. છતાંયે લોકો માથાના દુ:ખાવાવાળી, ભંગાર, સાહેબોની જોહુકમી વાળી જગાએ કેમ પડી રહે છે? અરે, ત્યાં ચીટકી રહેવા માટે કરવા જોગ બધા જ પ્રયત્નો પણ કરે છે?

મનને ગમે એ રસ્તો ફોલો કરવો સરળ નથી. એના માટે હિંમત જોઈએ અને કોન્ફીડન્સથી નવા રસ્તો ચાતરવાનો પેશન જોઈએ. એના માટે મેસીવ પ્રયત્નો કરવા પડે. અહીં જે કામ એક-બીજાને જોઈને સરળતાથી શું કરવું છે એ ખબર જ છે એવું નથી. રોજ નવું કામ અને નવી પરિસ્થતિ. એના માટે પારાવાર પ્રયત્નો કરવા પડે. તો એવું શક્ય છે કે તમને ગમે એ ક્ષેત્રમાં તમે જઈ શકો. પણ એવું કરવા માટેના પ્રયત્નો અને હિંમત બંને આપણી પાસે છે?

જે નસીબદાર લોકો એમની જોબમાં અત્યંત ખુશ હોય એમની વાત જુદી છે. એમને માટે તો ભાવતું હતું અને વૈદ્યે કહ્યું એવો ઘાટ થયો છે. ગણિત મારો પ્રથમ પ્રેમ છે. કલનશાસ્ત્ર (કેલ્ક્યુલસ)ના ઊંડાણપૂર્વકના દાખલાઓ ગણવા મને આપી દો તો હું જમવાનું પણ ના માંગું. એ લોકો એન્જીન્યરીંગ કરીને ખરેખર જ એમના પેશનને ફોલો કરે છે. એમને જે કરવું હતું એ મળ્યું છે, દોડવું હતુંને ઢાળ મળ્યો એવી વાત છે. આ લોકો ગાડી માટેનું સહુથી આદર્શ (ઓપ્ટીમલ) એન્જીન શોધી કાઢી શકે કે પછી પ્લેનને લાગતા પવનની ગતિ માટેની લાંબી લચક ફોર્મ્યુલા વિકસાવી શકે. એમને ભણવાનું અને જોબ બંને જેવા જોઈતા હોય એવા જ મળ્યા હોય. પણ આપણે અહી વાત કરીએ છે જે લોકો આ વર્ગમાં નથી. જેમનો ભણવાનો રસ કે કામનો વિષય એમની મૂળભૂત (ઇન્હેરન્ટ) આવડતથી અલગ છે.

જેમ કે જોબ છોડી દઈને ધંધો કરવો એટલે નવો રસ્તો ચાતરવાની વાત છે. એ તમારા ઇન્સીક્યોરીટીના કોચલામાંથી બહાર આવીને આવા કામ કરવાની વાત છે. એવું કરી પણ શકાય એ વિચાર ઇટસેલ્ફ જ મહત્વની વાત છે. પણ એના માટે એક ખતરનાક પેશન જોઈએ, બર્નિંગ ડીઝાયર હોય એ લોકો આવું કરી શકે. આપણે રોજ-બરોજના જીવનમાં કેટલાયે કામો પડતા મુકીએ છીએ અથવા તો અમુક કામો કરવા પસંદ કરતા નથી. એમાં એવું નક્કી કરીએ છીએ કે આ આપણું કામ નહિ.

પણ જે સાહસીકો હોય એ લોકો આવું કામ કરતા હોય છે. એમને જોઈને આપણને ઘણી વાર એમ થાય કે આ શા માટે આવું કરતા હશે? જંગલોમાં ખુંદી વળતા સાહસીકો માટે જંગલોમાં ફરવું એ જ જીવન છે. પણ એ લોકોએ સાયન્સ લઈને જોબ જ કરવી એવો ધ્યેય પકડી ના રાખ્યો અને કોચલામાંથી બહાર નીકળી શક્યા. “લગાન” મુવીમાં આમીરખાનના પાત્રે એ જ વાત કરી છે. જયારે ઈન્ડિયામાં ક્રિકેટનો સ્પેલિંગ પણ ખબર ન હતી એ વખતે “અંગ્રેજોની ટીમ સામે જીતવાનું શક્ય છે” એવો વિચાર કરવો એ જ ક્રાંતિકારી ઘટના કહેવાય. આવા વિચારોના અમલ કરનારા પેશનથી ભરપુર હોય છે. એમને કશુક નવું કરવાની અત્યંત ઈચ્છા હોય છે. જીવનને મીનીંગફૂલ બનાવવા માટેનો અભિગમ હોય છે.

એ કોચલામાંથી બહાર આવીએ તો શું થાય? એવું બને કે તમને નાની-મોટી વાતોનો ડર ના લાગે. પણ દુનિયામાં થઇ-થઈને શું થવાનું છે? તમે એક વાર એ હિમાલય ચડી જાવ પછી નાના-મોટા ટેકરાની શું વિસાત? જીવન એવું નવીન લાગી શકે, એમ થાય કે હું તો મને ગમે એ કરું, જે થવું હોય એ થાય. તમારે એવું ક્યારે થાય? જયારે તમે અ-સલામતીને છોડીને બહાર આવો ત્યારે. પણ આ બધું કરવું ખરેખર સહેલું નથી. હકીકતે લોકો જીવનભર આવું શોધ્યા જ કરે છે. મંથનના અંતે અમૃત કોને મળે છે એ મંથન કરનારા જાણે.

નવું કશુંક કરનારા લોકોના હાથે કોકને કોક રત્નો તો લાગે જ છે. “આવું કરી શકાય ખરું?” એ પ્રશ્નનો જવાબ જો તમે “હા”માં આપતા હોવ તો તમે સલામતી છોડીને નવીન કેડી કંડારો છો. અને આપણને ગમે છે એ શોધી કાઢીને એનો અમલ કરવો શું ખોટો? એવું શા માટે ના કરવું? થઇ થઈને શું થવાનું છે?

Posted in Uncategorized | 1 Comment

સિક્સ્થ સેન્સ અને ઇન્સીક્યોરીટી


સિક્સ્થ સેન્સ એટલે શું? હું જયારે ડલાસ ભણવા માટે આવ્યો ત્યારે આ એક નવું મુવી આવ્યું હતું. આમારો એક ભાઈબંધ મને કહે કે આ મુવીનું દિગ્દર્શન એક ભારતીય વ્યક્તિએ કર્યું છે એટલે મને રસ પડ્યો કે આ મુવી તો જોઈએ જ. પણ સિક્સ્થ સેન્સ એટલે શું એ જ ખબર ના પડે. ભારતીય મૂળના એમ. નાઈટ શ્યામલને આ મુવી દિગ્દર્શીત કર્યું છે. મુવી જોવાની ખબૂ મજા આવી.

સિક્સ્થ સેન્સનો અર્થ એવો કે આપણે ભવિષ્યને ભાખી શકીએ. અથવા તો ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી લેવું. તો આપણને કયારેય સિક્સ્થ સેન્સનો અનુભવ થાય ખરો? હકીકતે આ બહુ જ વિવાદાસ્પદ વિષય છે અને એનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી.

એક વાર, હું જયારે નવમાં ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલ પર સ્કુલેથી ઘરે આવતો હતો અને મને પાછળથી એક એમ્બસેડર ગાડીએ જોરદાર ટક્કર મારી. મારી સાયકલ આખેઆખી કચડાઈ ગઈ, મને કઈ વાગ્યું નહિ. પણ ત્યારે જ મેં વિચાર્યું કે આજે સવારે નીકળતા પહેલા જ મને એવું થયું હતું કે આજે કદાચ કૈક થશે અને એ આભાસને હું બરાબર કળી ના શક્યો જ્યાં સુધી આવી ગાડી સાથે ટક્કર ના થઇ. પછી મને એવું લાગ્યું કે સવારે જે વિચિત્ર આભાસ થતો હતો એ કદાચ આ એકસીડન્ટ થવાનો સંકેત હતો?

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વિસ્તારપૂર્વકની આત્મ કથા મેં વાંચી હતી. ત્યારે એમાં એક એવી વાત હતી કે રાણી જયારે સવારે ઘોડી પર લડવા નીકળી ત્યારે મનમાં કૈક વિચિત્ર અજંપો હતો અને છેવટે એ દિવસની લડાઈમાં રાણી મૃત્યુ પામી.

એટલે આપણે જો આપણા પૂર્વ અનુભવોને તપાસીએ તો એવું લાગે કે કૈક થવાનું હોય ત્યારે આપણને અજંપો અને એ પ્રકારનો વિચિત્ર આભાસ થાય છે. એ આભાસ આવું કશુક થવાનો સંકેત હશે કે શું?

અંગ્રેજીમાં ગટ્ટ ફીલિંગ્સ કહે છે, કે મારી અંદરની જે પ્રણાલી છે જે મન દ્વારા કંટ્રોલ નથી થતી, ફક્ત એનો સંકેત મળે છે. અને પછી આપણે કેટલીયે વાર જે લાગ્યું હોય કે જેને બરાબર શબ્દોમાં વર્ણવી ના શકાય છતાંયે મનને “ફીલ” થયું એને આધારે નિર્ણય લઈએ છીએ.

કેટલીયે વાર આવું સંભાળવા મળે: “તું માને કે ના માને પણ આ વખતે તો આ નક્કી જ છે” ઘણી વાર આપણને કોઈ મહાન સ્વામી કે બાબા તરફથી એવી પ્રેરણા મળે કે જેનાથી ભવિષ્યમાં શું થવાનો છે એનો સંકેત મળે.

કોઈક વાર મને એવું લાગે કે આત્યારે જે ઘટના હું જોઈ રહ્યો છુ અને અનુભવી રહ્યો છુ એ ફરીથી બની રહી છે અને એટલી હદ સુધી કે હું એવું ભાખી શકું કે હવે ક્રીસ ઉભો થઈને પાણી પીવા જશે. કોઈક વાર મને સ્વપ્ના આવે એ એટલા બધા રીયલ જેવા લાગે કે એમ લાગે કે હવે આવું કઈ થશે. એ ભવિષ્યનો સંકેત મને પહેલથી જ મળી ગયો હતો?

તો વાસ્તવમાં આવા સંકેતો, બાબાના ભવિષ્યો કે હાથની રેખાઓ કે પછી સ્વપ્નની વાતો, ગટ્ટ ફીલિંગ્સ, એ બધું ખરેખર અર્થ પૂર્ણ હશે? મને સાયકલનો એકસીડન્ટ થયો એ દિવસે સવારે મને સ્કુલે જવાની ઈચ્છા ના હતી. મને કશુક થશે એવું લાગતું હતું. પણ હકીકતે એવું તો મને ઘણી યે વાર થતું હોય છે, એ જ દિવસે કઈ ખાસમ ખાસ અજંપો હતો એવું નહતું. છતાંયે બીજા દિવસોએ જયારે અજંપા જેવું લાગે ત્યારે કોઈ જ અસામાન્ય ઘટના એવી બની નહતી.

ઝાંસીની રાણીના ઇતિહાસકારોએ રાણીને એ દિવસે સવારે થતી ઇન્સીક્યોરીટીની વાત ખાસ ભાર આપીને કરી જેથી એમની વાર્તા રસપ્રદ બને. હકીકતે ઝાંસીની રાણીને અજંપો તમામ દિવસે રહેલો હશે.

ઉત્ક્રાંતિના પરિણામે માનવોનું મગજ એટલું જટિલ યંત્ર બન્યું છે કે આજે આપણને એક સાથે હજારો વિચારો આવે, રોજેરોજ માણસ પચાસથી સાઠ હાજર વિચારો કરતો હોય છે. આપણને કેટલીયે પ્રકારના ઈમોશન અથવા લાગણીઓની અનુભૂતિ થાય છે. આનંદિત મન હોય તો ખરાબ ઘટનાને પણ હળવાશથી લઇ લે અને દુ:ખી મને સારી ઘટનાઓ પણ ખરાબ લાગે.

વિચારો અને મનની સ્થતિ એવી કોમ્પ્લેક્ષ પરિસ્થતિ સર્જે કે આપણને વિચિત્ર અથવા ના સમજાય એવી ફીલીંગ અને અજંપો થાય. એટલે એને આપણે ભવિષ્યનો સંકેત માનવા માંડીએ કારણકે ભવિષ્ય અને એના પ્રત્યેની ઇન્સીક્યોરીટી આપણને કશુક થશે એવું માનવા પ્રેરે છે. મૂળે એ ઇન્સીક્યોરીટી કેટલીયે જુદી જુદી જગાએ આવો પ્રભાવ પાડી શકે અને આપણને સિક્ષ્થ્ સેન્સ અંગે વિચારતા કરી દે છે.

આપણને અજંપો કે એવું કૈક થાય ત્યારે કશુક ખરાબ હંમેશા, કોઈ પણ ભૂલ થયા વગર બને જ એવી ગેરંટી ખરી? અને એટલે એવું ખરાબ જો ના બને તો આપણે એમ કહીએ કે પ્રભુની કૃપા છે. આમાં પ્રભુની કૃપા અંગે શંકા નથી. પણ દર વખતે જો અજંપાને આપણે ભવિષ્ય સાથે સાંકળી શકીએ એમ ના હોય તો એ પ્રકારની ફીલીન્ગને મહત્વ આપવાનો શું અર્થ છે? ભવિષ્યમાં એવું સંશોધન થાય પણ ખરું કે મન કઈ રીતે ભવિષ્યને ભાખી શકે છે. પણ મનના ગુઢ વિચારો અને અજંપાને આપણે આજે ભવિષ્યના સંકેતો માનીને કોઈ નિર્ણય કરીએ એ બરોબર નથી.

મોહમ્મદ માંકડ મારા ખુબ જ પ્રિય લેખક છે. એમની એક વાત મેં વાંચી હતી. ગામમાં એક વાર સર્કસના શો જેવું થતું હતું. એમાં એક કુતરો હતો, એટલો બધો ચતુર કે એને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એના આપણું મગજ કામ ના કરે એવી રીતે ઉત્તરો શોધી લાવે. ધારો કે કયા વ્યક્તિની નંબર પ્લેટ ૮૭૪૫ છે? કે પછી કયા વ્યક્તિને ઘરે બે ગાડી છે. કે પછી કઈ વ્યક્તિ અમેરિકાથી આવી છે. તે છેવટે, આ ગામમાંથી કયા વ્યક્તિ નજીકના ભવિષ્યમાં સરકારમાં પ્રધાન થવાના છે? તે એક રાજકીય પક્ષના કાર્યકર્તાને એ કુતરાએ શોધી બતાવ્યા. તે એ ભાઈ તો ઉછાળી જ પડ્યા. એમને એવું લાગ્યું કે એમની વર્ષોની દબાયેલી મહેચ્છા આ કુતરાએ પૂરી કરી છે. અને એમને તો ખેતી, ટ્રેક્ટર બધું છોડીને ફુલટાઈમ રાજકારણમાં જ જંપલાવી દીધું. અને ચૂંટણીમાં ટીકીટ પણ મળી. નસીબજોગે, એમનું આગળ ખાસ કઈ ચાલ્યું નહિ અને છેવટે રાજકારણમાં ખુવાર થઇ ગયા.

આમ ભવિષ્યના સંકેતોના આધારે આપણે ચિંતામાં આવી જઈએ તો એ બરાબર નથી. સંકેતોને કારણે કશુક થવાનું છે એની પાક્કી ગેરંટી હોય તો એવું વિચારી શકાય પણ જો કોઈ ગેરંટી ના હોય તો એ સંકેતને આધારે આપણે ટેન્શનમાં આવી જઈએ એવું શા કારણે થવા દેવું?

આમારા ક્લાસમાં એક છોકરો…અમારા ગુજરાતીના ટીચર કાયમ એમ જ કહે કે ભાઈ તારા વાંકડિયા વાળ અને આંખોનું ઊંડાણ, મોટો થઈને મને તો એમ લાગે છે કે તું આપના કવિ કલાપીને ય પાછળ પડી દઈશ. તે એ ભાઈ ભીત સામયિકના સર્વ સ્વીકાર્ય તંત્રી. બારમાં ધોરણમાં ફેઇલ પણ કવિતાઓ બધે જ મોકલે અને બધેથી સાભાર પરત આવે. આમ તમે કોઈ વાર કારણ વગર કોઈક વાત સંકેત રૂપે સ્વીકારી લો તો વાસ્તવમાં એવું ના યે થાય.

એટલે તમને ભવિષ્યના સાચા-ખોટા, અને ગમે કે ના ગમે એવા સંકેતો કેટલીયે વાર મળ્યા જ કરે. ટેરોટ ડોટ કોમ વેબસાઈટ પર મને એવું લાગે મને ધ્યાનમાં રાખીને જ ભવિષ્ય લખ્યું છે છતાંયે એમાં લખ્યું હોય એના આધારે હું મારો પ્રોગ્રામ બનવાનો પ્રયત્ન કરતો નથી. ભવિષ્યના સંકેતો આવે પણ એ સંકેતોથી કશુક ખાસ થશે જ એની કોઈ ગેરંટી નથી. કોઈ બાબા સંકેત આપે અને એમ ના થાય તો આપણે એમ કહીએ કે જેવી હરિની ઈચ્છા. થાય તો એમ કહીએ કે બાબાએ કહ્યું છે અને ભગવાન પણ રાજી છે. અને બાબા કહે એમ થાય જ એની ગેરંટી કેટલી?

આ બધામાં સંપૂર્ણ રીલાયેબલ અને એકદમ સ્પેસીફિક સુચના મળતી નથી. અને જે સુચના મળે એમાંથી ઘણી જ જાતના અર્થ કાઢી શકાય જે એક બીજાના વિરોધાભાષી હોય. તો શું કરવાનું?

એક લેખમાં વાંચ્યું હતું કે એક ફેમિલીએ માંડ માંડ પૈસા બચાવીને મુંબઈમાં ફ્લેટ લીધો. બે રૂમ અને રસડું. ભગવાનનું મંદિર  બેડરૂમમાં રાખ્યો. તો કોઈકે કહ્યું કે બેડરૂમમાં ભગવાનનો રૂમ રખાય નહિ. આગળની રૂમમાં ફાવે એમ હતું નહિ. એટલે પેલા બેન ખુબ મુંઝાયા. એમને એવું થયું કે જો આનો કોઈ ઉપાય નહિ થાય તો ભગવાન ગુસ્સે થશે? આ કોઈ વસ્તુનો સંકેત છે? હકીકતે ભગવાનની ભક્તિ અને કૃપાને ભગવાનનું મંદિર કયા રૂમમાં છે એની સાથે સંબંધ નથી એવું મારું માનવું છે. આપણે ભગવાનની અવગણના નથી કરતા.

એટલે આપણી ગટ્ટ ફીલીંગ ખોટી? મનને કૈક લાગતું હોય એનો કોઈ અર્થ નહિ? વાસ્તવમાં મનને લાગતું હોય એ જો ખુબ જ સ્પષ્ટ ના હોય તો આપણે નિર્ણય હકીકતોને આધારે લેવો જોઈએ. પણ આ સંકેત, સીક્થ સેન્સ એ બધું દર વખતે સુર્ય ઉગે એટલું પ્રીડીકટેબલ હોતું નથી અને એના આધારે નિર્ણય લેવો એટલે ચિંતાને આમંત્રણ આપવા જેવું છે.

જો ઘર આગળથી બિલાડી પસાર થાય છે. તેથી કઈ રીતે કશું ખરાબ બને? પણ તો એ આપણામાંથી કેટલાયે લોકો મને છે. ઘુવડને જોવું, કે છીંકો આવે. પણ એને ભવિષ્ય સાથે કઈ રીતે આપણે સાંકળી શકીએ? અને જો આપણે એવું ઇગ્નોર કરીએ તો સ્ટ્રેસ થાય કે ખરેખર કશું થશે તો?

સ્કુટરનો નંબર તેર છે કે એનો સરવાળો તેર છે તો? કે પછી મારો આ શર્ટ લકી છે એટલે હું હંમેશા પરિક્ષામાં એ જ પહેરીને જઈશ. પણ છતાંયે પેપર સારા ના જાય તો? એવું બની શકે ખરું? લક્કી શર્ટ એટલે પરિક્ષામાં પુરેપુરા માર્કસની ગેરંટી? બિલકુલ જ નહિ. એના થી માર્ક વધુ આવે એમાં થોડી મદદ મળે? એવું કહી શકાય નહિ.

ભગવાનને દર્શન કર્યા વગર એક પણ કામ કરવાનું નથી અને આજે અનિવાર્ય સંજોગોને લીધે ફક્ત પ્રભુને મનોમન યાદ કરી લીધા પણ દર્શન ના કર્યા તો એને કારણે આજે હવે આવું થયું. તો એવું દર વખતે થાય જ એની ગેરંટી? અને કશુક થયું એનું કારણ આ જ છે? અહી હું ભગવાનના દર્શન ના કરવા જોઈએ એવું ક્હેવા નથી માંગતો.

આપણે ત્યાં વાસ્તુ શાસ્ત્ર અંગે ઘણી જ વાતો જાણવા મળે છે. ઘણા લોકો પૂર્વ દિશામાં ઘર ના હોય તો લેવું નહિ એવું નક્કી કરે છે. પણ જે ભાવે પરવડે એવું ઘર જો પૂર્વમાં ના હોય તો? કે પછી ઘરના ગરાજની દિશા અમુક જ હોવી જોઈએ અથવા ચુલાની દિશા. હવે આ વાસ્તુવિજ્ઞાન જ્યારે વીજળી નહતી ત્યારે રચાયું હશે અને ઘણે ખરે ભાગે ઉર્જા બચત માટે ઉપયોગી હશે. પણ આજે વિશ્વમાં બધે જ લોકો વસે છે. ત્યાં વસ્તુના નિયમો દક્ષિણ ગોળાર્ધમાં કઈ રીતે લાગુ પડી શકાય જ્યાં દિશાઓ અને ઋતુઓ અલગ હોય? કે પછી ધ્રુવ પ્રદેશ કે અમેરિકા જ્યાં ઉર્જાની કિંમત અને ઇકોનોમી તદ્દન અલગ રીતે ચાલે ત્યાં આ સિદ્ધાંતો કઈ રીતે ચાલે? આજે કેટલાયે સિદ્ધાંતો નવા સંશોધન સાથે બદલાય છે. તો પછી આ સંશોધનોને બદલવા ના જોઈએ? હવે ઘણીવાર તો લોકો આ જ કારણોસર એવું માને કે આ ઘર લક્કી નથી કે એનાથી મુસીબતો આવે છે. હક્કીકતે આ બધું મને જોડી કાઢેલ હોય છે.

અમારા એક ઓળખીતા બિલ્ડર ભાઈ અમને કહેતા, જો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના બધા ઘરો વેચાઈ ગયા છે. હવે ખાલી દક્ષિણ વાળા બાકી છે પણ આપનો આઈડિયા રેડી છે. એ ઘરોમાં બારણું સહેજ સાઈડમાં ખસેડીને પૂર્વ તરફ પડી દઈશું. દેખાવ થોડો કઢંગો થશે પણ પછી એ બધાયે વેચાઈ જશે. અને એવા મકાનો લેવામાં પછી કોઈને વાંધો નહિ જો બારણું પૂર્વ દિશામાં ખોલી દો તો. તો એ ઘર હવે અનલકીમાંથી   લકી થઇ જાય?

મનની ખૂબી એ છે કે મન જાત જાતની પેટર્ન શોધી કાઢે છે. અને એક વાર મને નિશ્ચય કરી લીધો પછી એને એ નિશ્ચયને આધાર આપતી પેટર્ન શોધવામાં મિલિસેકન્ડનીયે વાર લગતી નથી. એના આધારે તો એક ખુબ જ સરસ પુસ્તક લખાયું છે. એનું નામ છે ટીપીન્ગ પોઈન્ટ. એ પુસ્તકમાં આવી જાત જાતની પેટર્નની વાત કરેલ છે.

આપણને જો એમ લાગ્યું કે આવું આના કારણે થાય છે, બસ. આપણે એમ માનતા થઇ જઈએ કે એવું કરાય જ ના. પણ એમાં મૂળે આપણી ઇન્સીક્યોરીટી રહેલી છે. આપણને અસલામતીની ભાવના સતત રહે છે. હક્કીકતે અસલામતીની ભાવના એ ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે. નહીતર આપણો વિકાસ જ થાય ના. ક્યારે અસલામતી સેન્સ કરાવી એ જીવવા માટે ખુબ જરૂરી છે. પણ એને આપણે જયારે કારણ વગર અને વધુ પડતી મહત્વ આપી દઈએ ત્યારે રૂટીન લાઈફમાં ઘણી જ અડચણો આવી જાય અથવાતો રૂટીનને તોડીને આગળ જવાનું શક્ય જ ના બને.

મને જયારે ગાડી લેવી હતી ત્યારે મારાથી નક્કી નહતું થઇ શકતું કે જે ગાડી નક્કી કરી એ બરાબર છે કે નહિ. ગાડીની કિંમત સાડા પાંચ હજાર ડોલર ઠરાવી હતી, પણ એનું ચેકિંગ કેમનું કરીશું અને એવા કેટલાયે પ્રશ્નો મનમાં હતા. ગાડી વેચવા વાળો કોઈ ચાઈનીઝ વ્યક્તિ હતો એને મને કહ્યું કે હું કાલે સવારે દસ વાગે ફોન કરીશ. તે એનો ફોન સવા દસ સુધી આવ્યો નહિ, તો આપણને એમ થાય કે હાશ, શાંતિ. હવે આ નિર્ણય નહિ કરવો પડે અને છુટ્યા. પણ એનો દસને વીસે ફોન આવી ગયો. તો આ પણ એક પ્રકારની ઇન્સીક્યોરીટી જ છે.

કેટલીયે મોટી ઘટનાઓ બનવાની હોય, જેની આપણે રાહ જોતા હોઈએ એ પહેલા આપણને પાર વગરનો અજંપો થાય છે. આપણને એવું થયા કરે કે આ સફળતા પૂર્વક પાર પડશે કે નહિ. એને કારણે આપણે કેટલીયે મોટી વસ્તુ કે મોટા ડીસીઝન એવોઈડ કરીએ છીએ.

આપણને લોકોને એક વસ્તુ સરસ આવડે છે કે જીવનને સ્થિર કઈ રીતે કરવું. એટલે આપણે લોકો એક સ્થિર નોકરી શોધીએ જેમાં ભયાનક માથાકૂટ ના હોય અને દર મહિને પગાર આવ્યા કરે. રોજ સવારે જવાનું, કામ કરવાનું અને પાછા ફરવાનું. અને એવી જ રીતે પરિવારને પણ શક્ય એટલો સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. અને એવું કરવામાં આપણે સફળ પણ ખુબ થઇએ છીએ.

પણ કશુક નવું કરવાનું આવે એટલે આપણે ઇન્સીક્યોર થઇ જઈએ છીએ. એ નવું સ્ટેપ કે એની ઇન્સીક્યોરીટી કેટલાયે સ્વરૂપે આપણી સામે આવે છે: ભાવિનો સંકેત, બિલાડી પસાર થવી, ભગવાનની સેવામાં કોઈક ભૂલ થવી, વાસ્તુ શાસ્ત્રના નિયમો, સ્વામી બાબાનો અભિપ્રાય… આ બધું આપણા મનમાં ફડક ઉભી કરે અને એવી ફડક ઉભી કરે એ આપણે એક ડગલું લેતા લેતા એવા ડરીએ કે જાણે પગમાં વીસ વીસ મણના વજનીયા બાંધ્યા હોય. પણ ઇન્સીક્યોરીટીને સમજી અને એનો વ્યવસ્થિત પ્રયોગ કરવાથી કારણ વગરનો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.

Posted in Uncategorized | 1 Comment

ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાઠા


પાણી જયારે પર્વત પરથી વહી જતું હોય ત્યારે રસ્તામાં પથ્થરો અને કેટલીયે અડચણો આવે. પણ પાણી જ્યાં જગ્યા મળે ત્યાં શોધીને, ખાડો પાડીને ધીમે ધીમે આગળ વધતું જ જાય. પર્વત પરથી પડતા પાણીને ક્યારેય રોકી શકાય નહિ. તમે એક જગ્યાએથી રોકો તો એ બીજી જગ્યાએથી રસ્તો કરે પણ પાણી પોતાનો રસ્તો કરી જ લે, આડો અવળો, વાંકોચૂકો પણ અંતે એની ગતિ હંમેશા આગળ વધવાની જ હોય છે.

આવા જ પ્રકારના માણસો પણ હોય છે. હકીકતે માનવો વિજ્ઞાનની દ્રષ્ટિએ હોમોસેપિયન્સ, બિલકુલ આવા જ, રસ્તો શોધવાવાળા છે. ક્રિયેટીવીટી એ માનવોનું સહુથી ધારદાર શસ્ત્ર છે. આપણે લોકો એટલા બધા ક્રિયેટિવ છીએ કે એ અજોડ સદગુણ છે. ક્રિયેટિવિટીનું એક પ્રકાર છે રસ્તો શોધવો.

આપણે અમદાવાદથી વડોદરા જવું હોય અને જો એસ.ટી. બસો બંધ થઇ ગઈ હોય તો તરત જ આપણે એવું વિચારવા લાગીએ કે બીજો રસ્તો શું છે? તરત જ આપણને ટ્રેન યાદ આવે, અથવા તો ગાડી ભાડે લઈને પણ જતા રહીએ. પણ ટ્રેન કે ગાડી ભાડે મળવાની શક્યતા ના હોય તો? હવે જો જવું જ પડે એવું હોય તો આપણે કરીએ શું? આ પરિસ્થતિમાં દરેક જણ અલગ અલગ પ્રકારે વર્તે છે. પણ એ બધાના મૂળમાં ક્રિયેટિવિટી છે. તમે શું રસ્તો પસંદ કરો છો અને કેટલો ઝડપથી પસંદ કરો છો એ તમારી મરજીની વાત છે. મારે વડોદરા તો જવું જ હતું. તો પછી સ્કુટરમાં (બજાજ સુપર) પેટ્રોલ ફૂલ કરી દીધું અને માથા પર મફલર બાંધીને નીકળી પડ્યા. એટલે એમાં એવું છે કે તમે રસ્તો કેવો શોધો છો એ ક્રિયેટિવિટી દર્શાવે છે.

અને આપણી આ ખૂબી એવી છે કે આપણે એવા એવા રસ્તાઓ બખૂબી શોધી કાઢીએ કે આપણને આશ્ચર્ય થાય કે આપણે આવું સરસ શોધી કાઢ્યું? તમારી સામે પ્રશ્ન રજુ કરવામાં આવે એટલે મન એટલી ઝડપથી  એના રસ્તાઓ શોધવા મચી પડે અને મનોમન એની કાચી રૂપરેખા તૈયાર પણ કરી નાખી હોય. કોઈ પૂછે તો પક્કે પાયે શબ્દોમાં વર્ણન કરતા હજુ વાર લાગે પણ મને સબકોન્શિયસલી આખેઆખી ડિઝાઈન કરી નાખી હોય.

અને પર્વત પરથી સરતા પાણીની જેમ મન જાત જાતના રસ્તાઓ શોધી કાઢે. આપણે ગણિતના દાખલામાં ભણવામાં આવતું હતું એમ કે ત્રણ આંકડાનો ઉપયોગ કરો તો જુદા જુદા કેટલા નંબરો બનાવી શકાય? તે એ બધાજ નંબરો (એટલેકે શક્યતાઓ)ને આપણે પળવારમાં તપાસી લીધી હોય અને મારો અનુભવ તો એવો છે કે આપણે એક ખૂણામાં કાગળ-પેન લઈને બેસીએ તો જેટલી શક્યતાઓ વિચારી હોય એનાથી વધુ સારો બીજો ઉપાય પણ મળી જાય.

તમારે રોજે-રોજ હજારો ઉદાહરણો જોવા મળે. આજે દૂધ ખલાસ થઇ ગયું છે, તો નેસકોફી પી લઈશું. બેંકમાં નવો કાયદો આવ્યો છે કે તમારે નોકરીનું સર્ટીફીકેટ આપો તો જ ખાતું ખોલી આપીશું. તો સર્ટીફીકેટ કઈ રીતે લઈશું અથવા તો મેનેજર જોડે ઓળખાણ કે પછી બેંક જ બીજી કરી નાખીએ કે પછી કાયદાના અર્થઘટનની બીજી બાજુ બતાવવી….એમ તમે કેટલીયે શક્યતાઓ તપાસીને ખાતું ખોલાવી તો દો જ.

આમારા કોમ્પ્યુટર સાયન્સના ડો. વિમ્સની વાત છે. એ અમારા એડવાઈઝર, અને એવું નક્કી કરે કે આમારે કયા વિષયો લેવા. અને દરેક વિષયની એટલી બધી ફી હોય કે જે વિષય કમ્પલસરી ના હોય એ અમે છોડી દેવાનો પ્રયત્ન કરીએ. એમાં એક “ઓપરેટીંગ સિસ્ટીમ” કરીને વિષય હતો જે કમ્પલસરી હતો. અને મારે લેવાની ઈચ્છા હતી નહિ. તે ડો. વિમ્સને મળીને મેં એવું કહ્યું કે મારે કાઉન્ટી કોલેજમાં એક ઓપરેટીંગ સિસ્ટમનો વિષય લેવો છે. તે ડો. મને કહે કે એમાં શું, ઘણી સરસ વાત છે. લઇ લે, મને કેમ પૂછે છે? તે મેં કહ્યું કે એવું કરીને હું આપણી યુનિવર્સીટીનો વિષય સ્કીપ કરવા માંગું છુ. તે ડો. વિમ્સને તરત ખયાલ આવ્યો, કે એવું ચાલે જ નહિ. અને મેં એ વિષય લઈ પણ લીધો.

પણ આમાં વાત એમ છે કે આપણે યેન-કેન પ્રકારે નવા નવા નુસ્ખાઓ શોધી કાઢીએ છીએ. અંગ્રેજીમાં આને આ લોકો “આઉટ ઓફ બોક્ષ્” વિચારસરણી કહે છે જેમાં આપણે રોજે-રોજની રૂઢિગત, પ્રણાલિકાગત વિચારસરણીને બદલે નવીન રસ્તો શોધીએ.

અને એ વાતેય ખોટી નથી. તમે જેટલા વધુ અને નવા (ક્રિયેટિવ) વિચારો અમલમાં મુકો એટલી પ્રગતિ વધુ થઇ શકે એવી શક્યતા ખરી.

ક્રિયેટિવિટીના ઉદાહરણો જુવો તો એની ક્યાય કોઈ કમી નથી. ચારે બાજુ તમને જાત જાતના ક્રિયેટિવ ફંડા જોવા મળશે. એક વસ્તુ નથી થતી તો બીજું કરો. “હોઠ સજા તો ઉત્તર ઝાઝા” “આગે આગે ગોરખ જાગે”. એક દરવાજો બંધ થયો છે તો બીજી બારી ખુલે છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ઘણી દુનિયા ડૂબી જશે તો અમુક લોકો સૈબીરીયા અને બીજા ઠંડા પ્રદેશોમાં વસવાના સપના જુએ છે. પૃથ્વી પર જગ્યા નથી તો માનવો ચંદ્ર પર અને મંગલ પર વસશે. ખુબ ગરમી પડે છે તો એ.સી. લાવી દઈશું. આ બધી તો રાજ બરોજની વાતો છે જેના ઉપાયો લગભગ નક્કી હોય. પણ અમુક વાર તો આપણે એવી અજબ ક્રિયેટિવિટી જોવા મળે કે સલામ કરવાનું મન થાય. એવા વિચારો આવવા એ જ અદ્ભુત ઘટના કહેવાય. સ્ટીવ જોબ્સે શોધેલું આઈ-પેડ કે પછી આકાશમાંથી પાછુ ઉતારી શકે એવું ડિસ્કવરી યાન.

એક વાર પ્રેશર કુકરમાં મારા માસી ઢોકળા બનાવતા હતા તે અંદર કૈક એવું થયું કે એક નાની થાળી કુકરના ઢાંકણામાં બરોબર ચીપકી ગઈ, આમ એકદમ ફીટ. એટલે કેટલુંયે કાઢવા મથીએ પણ નીકળે જ નહિ. મેં ચમચી, સ્ક્રુ ડ્રાઈવર, બધાથી પ્રયત્ન કર્યા. એક વાર તો કુકરની વ્હીસલ કાઢીને એમાંથી ફૂંક પણ મારી જોઈ, પણ થાળી મચક આપે જ નહિ. મારો કઝીન, ત્યાં હતો એ અંદરથી હવા પૂરવાનો પંપ લઇ આવ્યોને એ કુકરની વ્હીસલના કાણામાં ભરાવીને પંપ માર્યો તે થાળી બહાર આવી ગઈ. કેટલો સરસ ઉપાય. આને ક્રિયેટિવિટી જ કહેવાય ને!

કશું પણ નવું શોધી કાઢો, નવીન પ્રયોગ કરો જેનાથી કૈક નવું જાણવા, શીખવા કે પ્રગતિ કરવા મળે. એવી વાતોનો અખૂટ ખજાનો આપનામાં છુપાઈને પડ્યો છે. આપણે એને શોધીને બહાર લાવવાનો છે. ક્યારેક આપણે આપની પોતાની જાત પર જ ગર્વ અનુભવીએ કે અમુક પરિસ્થિતિમાં કેવો સુંદરતમ ઉપાય શોધી કાઢ્યો છે. અને આવા ઉપાયો શોધવા માટે આપણે ખુબ જ હાઈ આઈકયું વાળા હોવાની જરૂર નથી. જે લોકો અત્યંત વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હોય એવા જ લોકો ક્રિએટિવ હોય એવું જરૂરી નથી. હકીકતે ક્રિયેટિવિટી અને તમારા સ્કુલના રિઝલ્ટને કોઈ જ સંબંધ નથી. વાસ્તવમાં તો જે વ્યક્તિ પોતાની ક્રિયેટિવિટીને પીછાણી એના પર કામ કરે એ સહુથી વધુ હોશિયાર કહેવાય.

લોકો ક્રિયેટિવિટીના પ્રયોગો કરીને એવા કેવા રસ્તાઓ શોધી કાઢે છે એ જોઈને આશ્ચર્યમાં પડી જવાય. આ પ્રકારની પ્રગતિ ખરેખર કુદરતમાં પણ જોવા મળે છે. કુદરતમાં બેક્ટેરિયા આંખોથી જોઈ પણ ના શકાય એવા જંતુઓ છે પણ એ જીવાણુઓ દર વર્ષે કેવા કેવા કડક રસાયણો સામે પ્રતિકારક શક્તિ મેળવી લે છે. આપણું શરીર પણ જેવો પ્રદેશ હોય એની સામે જરૂરી પ્રતિકારકતા મેળવી લે છે.

આપણી આ ખૂબીને વાપરવી કઈ રીતે? આપણે જે કામ કરવું છે એ તરત શોધી લેવું અને તરત કરવું તો આપણે જે કરવા માંગતા હોઈએ છીએ એ મેળવી શકીએ. પણ મારે એવું થાય કે ખરેખર મને શું ગમે છે એની ખબર જ નથી પડતી. તો પછી શું કરવું? એ કેસમાં એવું કે તમને જે ફાવે છે, સહેજ પણ જેની ઈચ્છા છે એ કામ ચાલુ કરી દેવું, ધીમે ધીમે, આપણને ખરેખર શું ગમે છે એ આપણે શોધી કાઢીશું.

Posted in Uncategorized | 1 Comment

શું વાત કરો છો?


આપણે ધારોકે બધા ભાઈબંધો બેઠા હોય અને એમાંથી એકાદ જણ ઉઠીને આપણને લાફો મારી દે તો? તો આપણે શું કરીએ? પહેલા તો ખુબ જ ગુસ્સે થઇ જઈએ અને પછી એને સામે મારવાની, પાંસરો કરવાની તૈયારી કરીએ.

તે એક વાર એવું થયું. એક વાર અમે બધા મિત્રો જોડે બેઠા હતા અને શું થયું તે ભયંકર હંસી-મજાકો ચાલુ થયા. જેને જે મન ફાવે એ બોલે. તો કોકે વળી એવી વાત કાઢી કે સહુથી સારામાં સારી રીતે વેકેશન કઈ રીતે માણી શકાય? તે દરેક જણ પોતાના અભિપ્રાયો જણાવે. તે વાત એમ થઇ કે અમીષ નાણાવટી એક હતો તે એ આમેય ઝટ કળી શકાય એવો નહિ. તે એની વાત સાંભળીને ધીમે ધીમે વાતોનું ફોકસ અમીષ થઇ ગયો. બધા એના પર એવા તૂટી પડ્યા અને એવી મજાકો ઉડાવી. તે અમીષ અંદર ખાનેથી સહેજ અકળાયો પણ ખરો. અને એ ય ઉશ્કેરાઈને જવાબો આપવા માંડ્યો. એને જાણે એવું લાગ્યું કે કોઈએ એને સીધો લાફો જ માર્યો છે.

હકીકતે આ લાક્ષણિકતા આપણા જીન્સમાં જ સંગ્રહાયેલી છે. તમને જો કોઈક કશુક કહે તો તમે એવું વિચારો કે હકીકતે આ તમારા પર થયેલો હુમલો છે. એટલે આપણે એની સામે લડવા માટે તૈયાર થઇ જઈએ.

એક વાર મને ભદ્રેશે આવીને એવું કહ્યું કે મારે ડોલર સ્ટોર ખોલવાની ઈચ્છા છે. તે મને થયું કે ડોલર સ્ટોર અહી કેટલી બધી કોમ્પીટીશનમાં છે? મેં એને તરત જ કહ્યું: બરાબર છે, પણ જોઈને કરજે. કોઈ પ્રોબ્લેમ ના થાય. અને જો મારું માનતો હોય તો ખરેખર રહેવા દે.

આમાં એવું છે કે કોઈ પણ વાત આપણને રજુ કરવામાં આવે એટલે મારા સહીત, નેચરલી, કેટલાયે લોકો સહુ પ્રથમ તો એનો વિરોધ જ કરી બેસે. ડીશ નેટવર્ક? ના એ ના કરશો. એના કરતા તો કેબલ સારો પડશે. અરે, ટાયરો સામ્સ ક્લબથી લીધા? શું કરવા યાર, મને પૂછ્યું હોત તો? ડિસ્કાઉન્ટ ટાયરમાં થી જ લેવાય. આપણી કોઈ પણ વાત હોય એનો વારંવાર આવો પ્રતિભાવ જોવા મળી શકે.

મૂળ વાત એમ છે કે આપણને કોઈ પણ નવો વિચાર જયારે જણાવવામાં આવે ત્યારે આપણે સહુ પ્રથમ બહુ જ બળ લગાડીને એનો વિરોધ કરી પાડીએ છીએ. અમારા એક ઓળખીતા છે એમને ખાસ્સું એવું સંશોધન કરીને એવું નક્કી કર્યું કે આપણે શોપિંગ મોલ્સમાં ચોકલેટ વેચવાની દુકાન કરીએ. હવે શોપિંગ મોલમાં ચોકલેટ વેચો તો વેચી વેચીને વકરો કેટલો થાય? તે સગાઓને મિત્રોએ એમના અભિપ્રાયો આપવાના ચાલુ કરી દીધા. કોકે કહ્યું કે ઇન્ડિયાથી ગોળી, પીપરમીન્ટ એવું બધું લાઈને વેચજો. જુઓ, કેટલુંક ચાલે છે. કોક કહે કે દેવળીયા થવાના થયા છે તે ગોરીઓ (ગોળીઓ) વેચવા હાલી નીકર્યા છે. એવું બધું.

આપણો સ્વભાવ જ મૂળે વિરોધ કરવા ટેવાયેલો હોય છે. એટલે આપણે કશુક પણ જાણીએ, જોઈએ એટલે તરત જ એમ કહી નાખીએ એ બોસ, આ તો નથી ચાલે એવું.

મનેય એવું કહેવાની ટેવ ખરી. ધારોકે કેટલુંય જોઈ વિચારીને કોઈકે સરસ એલ.જી.નું ટીવી લીધું હોય તો પણ હું એને સોનીનું ટીવી જ સારું એવું કહી દઉં. હવે આપણને એલ.જી.નું ટીવી સારું છે કે નહિ એની પક્કે પાયે ખબર ના હોય તો પણ. કોઈક આપણને એમ કહે કે સોનું ખરીદિને રોકાણ કરવું છે. તો આપણે તરત બોલી ઉઠીએ કે ભાઈ જો, સોનામાં ધ્યાન રાખજે. એના કરતા એપલ કુ.નો શેર સારો. મારો પેલો શિખર છે એની વાઈફે સોનું લીધુંને ભાવ ઉતારી ગયા. હજુ ય રડે છે…એવું બધું.

અશોક જોડે મારે બોલતા બોલતા બહુ જ બીવું પડે. અશોક આમતો મારો ખુબ જ સારો મિત્ર. મને એની સાથે સમય પસાર કરવોય ગમે. ઘણીયે વાતો થાય. પણ કોઈક વાર એવું થાય કે અમારે વાતોમાં ઓપીનીયનનો સંઘર્ષ થાય. એટલે એમાં થાય કેવું કે હું કૈક પણ બોલું કે રજુ કરું એ વાત અશોક તોડી પાડે.  એની મૂળ પ્રકૃતિ જ એવી. એટલે ધારો કે મારે એક વાર એવી વાત નીકળી કે પેલો એક કલ્પના ચાવલાનો લેખ કેટલો સરસ છે!! રિડિફ.કોમ પર કલ્પના ચાવલાની જીવન કથા જેવું મુક્યું હતું. ખુબ જ સરસ લેખ. એમાં કલ્પના ચાવલાએ છેલ્લી ઘડીએ અમેરિકા આવવાનું નક્કી કર્યું અને એના જીવનના નાના-મોટા ચડાવ-ઉતારો, એના પપ્પા પાકિસ્તાનથી ભારત આવીને કઈ રીતે એમને કારખાનું ઉભું કર્યું એવી બધી વાતો. મને તો ખુબ મઝા આવી ગઈ. એ લેખ વાંચીને મને એમ થાય કે લોકો કેવા સંઘર્ષમાંથી પસાર થઈને સિદ્ધિઓને પામે છે.

અશોકને મેં એ લેખ મોકલ્યો ને અશોકે એ લેખ વાંચ્યો. મને તો એમ હતું કે અશોકને પણ એમ થશે કે વાહ, લોકો કેવા કેવા સંઘર્ષમાંથી પસાર થઈને ક્યાં ક્યાં પહોચે છે. તે અશોક મને કહે કે એમાં શું મોટી ધાડ મારી દીધી? ઠીક છે હવે. તે આપણે તો ઓછ્પાઈ જ જઈએ. આપણને એમ થાય કે આટલી બધી સરસ ખૂબી વાળી વાતનો અશોક માટે કોઈ અર્થ નથી.

તે પછી એક વાર એવી વાત નીકળી કે આ વખતે તો ચૂંટણીમાં ઓબામા જીતી જશે. એટલે અશોક મને તરત જ કહે કે એવી શી ખાતરી? એમ તો મીટ્ટ રોમનીનું પલ્લું ય ભારે જણાય છે. હવે અશોકભાઈ દલીલ કરવામાં ખુબ જ હોશિયાર એટલે એ એમની કોઈ પણ વાત સાબિત કરી બતાવે. અથવાતો જોરદાર દલીલબાજી અને રીતસરનું વાક્યુદ્ધ ફાટી નીકળે. જોવાની ખુબ મજા આવે, દરેક જણ પોતપોતાના વિચારો નાની-મોટી દલીલો અને હકીકતો સાથે રજુ કરતા હોય.

વાતનો વિરોધ કરવો કે સલાહ આપવી એ બંને થોડી થોડી અલગ વાતો છે પણ મૂળ કન્સેપ્ટ એ જ છે. તમારી વાત સાંભળ્યા કે વિચાર્યા વગર જ એનો વિરોધ કરી નાખવો એ સલાહ આપવા કરતા ય વધારે ક્રૂર છે. પણ તો ય આપણે બધા આવું ક્યારેક ને ક્યારેક કરતા જ હોઈએ છીએ. દરેકની પર્સનાલીટી પર આધાર છે.

 

ગુરુજી એમ કહે કે બેટા સંપત્તિની જરૂર નથી, અત્યારે જ એનો ત્યાગ કર. પણ ગુરુજી એ તો સંસારનો ત્યાગ કરેલો છે. એમને પત્ની કે બાળકો નથી. એમને તો ફૂલ ટાઈમ જોબ જ ઉપદેશ આપવાની છે. ગુરુજીને ક્યારે ય છોકરાના પરિણામની ચિંતા ના હોય, એમને ક્યારે ઈલેક્ટ્રીસિટીના બિલ ભરવાની ચિંતા ના હોય…એમનો જીવન જોવાનો દ્રષ્ટિકોણ જ અલગ હોય. તો એ ત્યાગ કરવનું કહે એ આપણા જીવનમાં ફીટ કેમનું થઇ શકે?

આપણે ત્યાં તો વોરેન બુફેતને ધંધો કેમ કરવો એની સલાહ આપતા લોકો જોવા મળી જાય ખરા. ક્રિકેટ વખતે તો આવી સલાહોનો અતિરેક થઇ જાય. ક્રિકેટની સીઝનમાં દરેક જણની પ્રતિક્રિયા એવી કે જો એમને તેન્ડુલકરની જગા એ રમવા મોકલ્યા હોય તો જ ભારત જીતી શકે. કારણ કે તેન્દુલકર હવે ક્રિકેટ રમવાનું ભૂલી ગયો છે. સહુ પહેલા એને આ પાન ખાતા ભાઈ જે ટીવીમાં મેચ જુવે છે એમની પાસેથી કોચિંગ લેવાનું છે અને પછી એ જે ટેકનીક બતાવે એ રીતે રમે તો કદાચ ૧-૨ વર્ષ પછી ભારત કોઈ નાનીશી મેચમાં જીતી પડે ખરું. અને એ ભાઈ પોતે રમવા જાય તો ક્રિકેટના પિતામહો ડોન બ્રેડમેન જેવા એમના પગે પડીને કહી શકે: તમે અત્યાર સુધી ક્યાં છુપાયા હતા? વિશ્વને તમારી આ અજાયબીથી વંચિત કેમ રાખ્યું?

“આપણા આ મોદી છેને એને હવે ઘણી ભૂલો કરી છે. આ દિવાળી જુવે તો જુવે. ખરી રીતે અત્યારે જે સંગઠન ચાલ્યું છે એ જોતા આજે જુઓ, આમની સરકાર પાક્કી. બોલો કેટલાની લગાવવી છે?” નોસ્ત્રદેમાંસને પરસેવો વળી જાય એનાથી ભવ્ય આગાહીઓ આપણે ત્યાં ચા પીતાં પીતાં અધિકારીઓ કરી પાડે. પછી મોદીજીને સરકાર કેમ ચલાવવી એની સલાહો ચાલુ થાય. છેવટે અઠવાડિયા બાદ ગમે તે પરિણામ આવ્યું હોય, આ ભાઈનો એક જ શબ્દ હોય: “જો, હું નાતો કહેતો?” અને હકીકતે એમને બધું જ કહી પાડ્યું હોય. કહેવામાં શું જાય છે?

આને કારણે આપણને કશું નુકસાન જાય ખરું? એમાં એવું છે કે આપણે વાતનો વિરોધ કરીને એ વાતના જમા પાસા શું છે એ જોવાની તક ગુમાવી દઈએ છીએ. ધારોકે ડોલર સ્ટોર ખોલવાથી અને સારી રીતે મેનેજ કરવાથી આવક થતી હોય ને નોકરી પર આધાર ના રાખવો પડતો હોય તો એ વિચારને વેલકમ કહેવાને બદલે આપણે સહુ પ્રથમ તો પેલા સામાવાળા વ્યક્તિને કેમનો મહાત કરવો એ શોધવામાં પડી જઈએ છીએ. અને આવું સતત કર્યે રાખવાને કારણે આપણે લોકોના અણગમાનો ભોગ તો બનીએ છીએ સાથે સાથે કેટલીયે નવીન વાતોને કે નવા દ્રષ્ટિકોણને અવગણીએ છીએ. એમાં પછી શું થાય? તો ભાદ્રેશને જો ડોલર સ્ટોર ગમે તો એ તો ખોલવાનો જ છે પણ આપણે એ તકથી જ વંચિત રહી જઈએ.

કોઈ એમ કહે કે ફ્લોરિડામાં જાવ તો આવું કરવા જેવું છે. તો આપણે એ વાતને ધ્યાનમાં જ ના લઈએ કારણકે આપણને નવી વાત સાંભળવાનો સમય કે ઈચ્છા જ નથી. કોઈ એમ કહે કે મારે હવે પીએમપીનો કોર્સ કરવો છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ, આ કોર્સ શું કરવા લેતો હશે? એના કરતા તો વિસુઅલ બેસિક વધુ કામમાં આવે. પણ જો આપણે આ વાતના નિષ્ણાત ના હોઈએ તો આવો અભિપ્રાય આપીને આપણે પીએમ્પીને વધુ ઊંડાણમાં જાણવાની તક ગુમાવી દઈએ છીએ.

આ પ્રકારનો અભિગમ કેળવવો પડે કારણકે મને એવું લાગે છે કે કુદરતી રીતે તાત્કાલિક કોઈકની સાથે સહમત થઈને, એના અંગે વધુ વિચાર કરવો એ આપણા માનવોના જીન્સમાં નથી. એટલે આપણે એવું “open mind” રાખવાનો પ્રયત્ન કરવો પડે છે. પણ આ અભિગમ કેળવવો જરાયે અઘરો નથી. અને જો એવું ઓપન માઈન્ડ રાખીએ તો આપણે બીજી કેટલીયે વધુ પ્રગતિ કરી શકીએ. રોજે રોજ, આપણે જે ઘરેડમાં ભરાયા હોઈએ એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે.

કેટલીયે વાર આપણે અનિર્ણિત મનોદશામાં જીવતા હોઈએ છીએ. સેંકડો અને લાખો લોકો જીવનભર એવી રીતે જીવી કાઢે છે. એમને એ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. અને એ અનિર્ણિત પરિસ્થતિ જીવનની નાવને પારાવાર રીતે આમતેમ હડસેલ્યા કરે છે. આ પણ આપણું મન ખુલ્લું ના રાખવાનું જ પરિણામ છે. અને અનિર્ણિત મનોદશા એટલે જાણે તમારા મનના મકાનને ઉધઈ લાગે એના જેવી વાત છે. એ ધીમે ધીમે છુપે પગલે તમને ખોખલું કરતુ જાય અને તમને ખબરેય ના પડે.

વર્ષા પાઠકનો આ અંગેનો એક સરસ લેખ વાંચ્યો હતો: http://www.divyabhaskar.co.in/article/MAG-apani-vaat-varsha-pathak-you-are-in-my-place-2710991.html

Posted in Uncategorized | 1 Comment

ડંખ


હજુ તો હું બ્રેક મારું તે પહેલા સામેથી ટેક્ષીએ આવીને ટક્કર મારી જ દીધી. હજુ તો માંડ માંડ ગાડી ચલાવતા શીખ્યા હતા ને એક્સીડેન્ટ થઇ જ ચુક્યો હતો. પહેલો ધ્રાસકો તો એ પડે કે હવે ગાડી રીપેર કરાવીશું કેમની? અને રીપેરીંગના પૈસાનું શું? માંડ માંડ તો ગાડી લીધી હતી. બધે બધા અનુભવ તદ્દન નવા. હજુ તો એક્સીડેન્ટ થઇ રહ્યો હોય ને મન રીપેરીંગ માટે કોને કોલ કરીશું એ ય વિચારી કાઢે.

ગાડીને જેમતેમ કરીને ચલાવીને એપાર્ટમેન્ટ સુધી તો લાવીને મૂકી દીધી જેથી શાંતિથી વિચારવાનો સમય મળે. પણ હવે બીજી મુશ્કેલી: જોબ પર જવા માટે રાઈડની વ્યવસ્થા. અમેરિકા ખાતે રાઈડની વ્યવસ્થા કરાવી ઘણી જ માથાકૂટ વાળી. દરેક જણ પોતપોતાની રીતે સેટ હોય, એમની જોડેથી રોજ રાઈડની વ્યવસ્થા કરીને જોબ પર જવાનું.

અનાથીયે વધુ માથાકૂટ ગાડી રીપેર કરવાની હોય, ગાડીની કિંમત હોય એના કરતા લગભગ ત્રીસ-ચાલીસ ટકા રીપેરનો ખર્ચ આવી જાય એવુંયે બને. અને મોટાભાગે અજાણ્યા લોકોને ગાડી રીપેર કરાવવાની દુકાનવાળા બરાબરના લુંટે એવું બને. આપણને એક તો રીપેરમાં ખબર ના પડે!

તે એક મેક્કો  નામની દુકાનમાં ગયા (જે દેખાઈ ત્યાં ગયા!!). તે મને એને આઠસો ડોલરનો ભાવ કહ્યો. તે એવો તો ભારે લાગે આપણને. તે પછી ત્યાં ગાડી રીપેર કરાવી પણ નાખી. પછી તો ગાડી રીપેર કરાવી એના માસ મોટા બીલો ચુકવ્યા અને કાગળીયાની માથાકૂટ.

એક્સીડેન્ટ થયો ત્યારે રોજ એમ થાય કે થોડું ધ્યાન રાખ્યું હોત તો? સહેજ જ વાળી લીધી હોત તો! આમ સહેજ સ્ટીયરીંગ ફેરવી લીધું હોત તો? સહેજમાં ટક્કર બચાવી લીધી હોત તો? એને બદલે બીજો રસ્તો લીધો હોત તો? અથવાતો એ દિવસે ગયા જ ના હોત તો? અથવા તો પ્લેન લેટ હોતને એરપોર્ટ પર લેટ ગયા હોત તો? ને એક્સીડેન્ટ ના થાય તો શું કર્યું હોત એની કોણ જાણે હજારો શક્યતાઓ તપાસી લીધી હોય. અને મન પળવારમાં આ બધી ગણતરીઓ કરી નાખે.

અકસ્માત થાય ત્યારે કેટલીયે વાતો આપણા કંટ્રોલ બહારની હોય છે. અને એ ઘટના ધ્યાન રાખવાથી એવોઈડ કરી પણ શકાય અને ના પણ થાય.

પણ અમુક ઘટનાઓ જેનો નિર્ણય આપણે જાણી-વિચારી કરીને લીધો હોય છતાંયે એનો અફસોસ થાય. આપણને એમ થાય કે આપણે આમ કેમ કર્યું? જો તે વખતે આવું કરવાને બદલે આવું કર્યું હોત તો? અને એનો મનમાં એવો ડંખ ઉભો થાય કે તમને જંપવા ના દે. અંગ્રેજીમાં એને ગીલ્ટ કહે છે. અને એ ગીલ્ટની એવી તો દુરોગામી અસર થાય કે કેટલીક વાર તો માણસો ડીપ્રેશનમાં સરી જાય.

નિર્ણયો લેવાની વાત આવે ત્યારે તમે જો મનમાં બરાબર ક્લીયર ના હોવ તો શું થાય? તમારા મનમાં શ્રેષ્ઠ નિર્ણય લેવા અંગેની એવી ઊંડી અવઢવ ઉભી થાય. જયારે તમારે એવી પસંદગી કરવાની હોય જેમાં બંને ઓપ્શન્સ સારા હોય ત્યારે કરવું શું? અને ધારો કે આવી અવઢવ પછી તમને એવું માલુમ પડે કે નિર્ણય ખોટો છે અને બદલી શકાય એવો નથી તો?

મને બારમાં ધોરણ પછી બધી જગાએ એડમિશન મળતું હતું. ઈજનેરી કે મેડીકલ બંને ક્ષેત્રે કોઈપણ કોલેજમાં જઈ શકાય. તો મને ઈજનેરી કરવું કે મેડીસીન એની અવઢવ રહે. આ અવઢવ એવી છે કે એના આધારે આપણી આખી જીંદગી કેવી જશે એ નક્કી થાય. અને એક વાર નક્કી થઇ ગયું એટલે પતી ગયું, પછી ફેરફારની શકયતા લગભગ નથી હોતી. તો આવા કિસ્સામાં શું કરવું અને ધારોકે નિર્ણય લઈ લીધા પછી એમ લાગે કે આ નિર્ણય બરાબર નથી તો? તો પછી એમ થયા કરે કે આવું કેમ વિચાર્યું? અને નિર્ણય પછીનો અફસોસ, ગીલ્ટ, ડંખ બરાબર ચાલુ થાય.

કેટલાક લોકોને તો ડંખ વર્ષો સુધી રહેતો હોય છે. આપણને આવો ડંખ રહી ગયો હોય તો શું શું થઇ શકે? નિર્ણયનો આપણને પારાવાર ભાર લાગે, નિર્ણય કરેલ હોય એનાથી મનને કોરી ખાતી પીડા ઉભી થાય. મન બળતું હોય એવું લાગે. આપણને એમ થાય કે એવું કેમ કર્યું? નાહકને ઉપાધી વહોરી લીધી નહીતર આજે કુબેરને શરમાવે એટલી સંપત્તિ હોત અથવા તો ઇન્દ્રને ઈર્ષ્યા થાય એવું ઐશ્વર્ય લઈને બેઠા હોત એવું બધું.

કશુક મોંઘુ ખરીદી લાવ્યા, અને એ ખરીદવાની ઈચ્છા હોય જ તો પણ લોકો એને ઘણીયે વાર પાછુ આપી દે અથવા તો એમ વિચારે કે આની જરૂર નહતી. આ પરિસ્થિતિમાં મોટે ભાગે નાહકનો અફસોસ કરતા હોય છે, અંગ્રેજીમાં એને બાયર્સ રીમોર્સ અથવા તો ખરીદીનો પશ્ચાતાપ કહે છે.

પણ છતાંયે નિર્ણય થઇ જ ગયો હોય તો હવે શું? નિર્ણયનો અફસોસ ના કરવો એવી કેટલીયે વાતો વાંચી છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સમય ગયેલો પાછો આવતો નથી, પણ શાસ્ત્રોમાં આવું થઇ ગયું હોય તો એનો ઉપાય શું એ લખ્યું નથી. એમ કહે છે કે એનો અફસોસ ના કરવો એટલે એ ભાવનાને તદ્દન ડાબી દેવી, દફનાવી દેવી?!

મોટે ભાગે જે નિર્ણયો લેવાઈ ગયા હોય અને એ ના ગમતા હોય એવું લાગતું હોય છતાંયે એ નિર્ણયો સાથે જ રહેવું પડે એવું હોય તો પછી એ પરિસ્થતિને હ્રિદય પૂર્વક સ્વીકારવી. ફિલ્મોમાં ઘણીવાર એવું બતાવે છે કે હીરોએ હિરોઈનને ખાલી ખાલી છેતરવા માટે જ મિત્રતા કેળવવી. પણ એ ઘણીવાર સાચેસાચી મિત્રતામાં પરિણમે છે.

એવું જ પરિસ્થિતિ સાથે છે. તમને ના ગમતી હોય એવી ઘટના બને તો પણ પછી એના સારા પાસાઓ પર ફોકસ કરો તો? કોઈક ઘટના અણગમતી બની તો પ્રયત્નપૂર્વક ગમે એવી ઘટના તરફ તમે જઈ શકો ના એવું શક્ય છે ખરું?

વાસ્તવમાં ડંખને દુર કરવો ખુબ જ અઘરી વાત છે. ડંખના જુદા જુદા પ્રકાર હોય છે. આપણે અહી જે વાત કરીએ છીએ એ કોઈક અણગમતી ઘટના બની હોય એના ડંખની વાત છે. આપણે એમ કહીએ કે ઘટનાના સારા પાસાઓ પર વિચાર કરો તો ડંખ દુર થશે. પણ છતાયે ડંખ જે રીતે ઓછો થવો જોઈએ એ થતો નથી.

આદર્શ રીતે ડંખતી વાત યાદ આવે તો ય મન વિચલિત થવું જોઈએ નહિ. એનો ઉપાય શું છે? આ વાતનો ઉપાય એટલા માટે ઝટ મળતો નથી કારણ કે ડંખ અમુક રીતે આપણને ફાયદો પણ કરાવે છે! કુદરતે માણસના મનમાં એવી ખૂબી મૂકી છે જેથી આપણે ફરીને ફરી એક જ જાતની ભૂલ કરીએ નહિ. એવી જો ખૂબી ના હોત તો જીવનમાં માનવનું આટલું ઈવોલ્યુશન થયું જ ના હોત.

ધારો કે આપણે એક વાર એવું જાણ્યું કે અગ્નિમાં હાથ નાખો તો દાઝી જવાય અને એવું ફરી કરતા નથી. એ વાત (અથવા ડંખ) આપણે બરાબર યાદ રાખીએ છીએ. પણ એ જ ખૂબી જયારે આપણા મનને પીડા આપે ત્યારે શું? ત્યારે આપણી આ ખૂબી આપણને દુ:ખી કરે છે. આ વાત કોઈ પણ વસ્તુ સાથે સરખાવી શકાય. રસોડામાં એ ચપ્પુ શાક સમારવામાં ઉપયોગી છે પણ ધ્યાન ના રાખીએ તો ચપ્પુ વાગી જાય એવું બને. પણ આપણે ચપ્પુ વાગી ના જાય એનું બરાબર ધ્યાન રાખીએ છીએ. ડંખ કે અફસોસનું એવું જ છે. અમુક વાત આપણને ભૂલ ફરી ના થાય એ માટે બરાબર યાદ રહી જાય છે. પણ પછીથી જયારે કશું થઇ શકે એમ હોય જ ના ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે એ કે એ ઘટના પર ફોકસ કરવાનો ખરેખર કોઈ અર્થ નથી.

આપણને બની ગયેલી ઘટના ગમતી નથી કારણકે એના પરિણામો ભોગવવા આપણે તૈયાર નથી અને એ વખતે એ ડીસીઝન જે સારામાં સારો લાગ્યો એ લીધો હતો. અને વારે-વારે એવું બને કે જૂની વાતો તાજી થાય. એટલે એ જુના ઝખ્મો, ડંખો કે પછી પશ્ચાતાપ માનવને પીડાની આગમાં ભયંકર બાળે છે. પણ બની ગયેલી વાતનું હવે શું? જો કોઈકવાર તમે ટ્રેનને ચુકી જાવ તો શું કરો? બીજા દિવસે જાવ, પ્લેન ચુકી જાવ તો શું કરો? બીજી ફ્લાઈટમાં જાવ. બની ગયેલી ઘટનાનો અફસોસ કરવાને બદલે એને કારણે ઉભી થયેલી પરિસ્થતિમાંથી આનંદ શોધવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

પણ એવું કરવું જરાયે સહેલું નથી. એના માટે મનને મેનેજ કરવું એ મનને સાણસીથી દબાવવા જેવું છે. ઘણીવાર બની ગયેલી ઘટનાના પશ્ચાતાપથી માણસના હ્રિદય પર ઊંડા ઉઝરડા પડતા હોય એવું લાગે છે. પણ તમે જો મનને મેનેજ ના કરો તો શું થાય? મન તમારા ઉઝરડા વધુને વધુ પીડાદાયક બનાવશે.

પછી ઈશ્વરની ખૂબી એવી છે કે સમય પસાર થયે એ ઉઝરડા આપોઆપ રુઝાઈ જશે. અને વધુ સમય પસાર થઇ જાય તો મનને એવું યાદ પણ નહિ રહે કે આવું થયું હતું. અને હકીકતે મન એ ઘટના કે ડંખ આપનારા પ્રસંગો કે નિર્ણયોને સ્વીકારીને ક્યારેક તો મનોમન એવો આનંદ પણ પામે કે જે થયું એ બરાબર છે. આને કારણે આ બીજો ફાયદો થયો.

તો પછી કોન્શીયશલી (સભાન પણે) મનને એવું સમજાવી ના શકાય કે ઘટના બને તો એનો અફસોસ કરવાથી કઈ વળવાનું નથી? મનને એવું સ્વીકાર કરવા માટે તૈયાર કરવું પડે. પણ મેં એવા લોકોને પણ જોયા છે જે આવો અફસોસ કરતા નથી. એમની જગ્યાએ હું હોઉં તો મને પારાવાર અફસોસ થાય કે આને માથે તો શું વીતતી હશે. પણ એ લોકો કુદરતી રીતે, એ ઘટનાને સાચેસાચ સ્વીકારે છે કે આવું કઈ થયું છે તો ભલે થયું, કશો વાંધો નહિ હવે આમ કરીશું. અને મનોમન, સાચેસાચ સ્વીકારવાથી ડંખ તો દુર થાય જ પણ ડંખને બળજબરી પૂર્વક દબાવી દેવો પણ ના પડે.

જો આપણાથી આવું કુદરતી રીતે સ્વીકારી શકાય એમ ના હોય તો? તો પછી આપણે શું કરવું? એનો રસ્તો છે કે આપણે હંમેશા પોઝીટીવ બાજુને જોવી. ભલેને મન હજુ તાત્કાલિક કશુક સ્વીકારવા તૈયાર નથી. છતાંયે એવો પ્રયત્ન કરવો. કુદરતે માનવનું સર્જન જ એવું કર્યું છે કે જે દિશા તરફ નજર કરે એ દિશા એને ગમવા લાગે. જો તમને એક જગ્યા નથી ગમતી છતાંયે ત્યાજ જવાનું આવે તો ધીમે ધીમે એ જગ્યા ગમવા લાગે. એ જ નિયમસર, ધ્યાન એ રાખવાનું છે કે નવી જગ્યાએ તમને જૂની જગ્યા છોડવાનો અફસોસ કરવાનો નથી. નહીતર તમારી જૂની જગા તો ગઈ જ છે અને નવી જગાનો તમે લુત્ફ ઉઠાવતા નથી.

નહીતર ઇતિહાસ એવી કેટલીય વાતોનો સાક્ષી છે જેમાં અમુક ઘટના એમુક રીતે બની હોત તો? ધારોકે ૧૮૫૭ના વિપ્લવમાં ભારત વિજયી બન્યું હોત તો? કે પછી પૃથ્વીરાજ ચૌહાણ વિજયી થયો હોત તો? અથવા તો ક્રિકેટમાં અમુક વિકેટ ના પડી હોત તો? કાં તો ભારત-પાકિસ્તાનના ભાગલા ના થયા હોત તો? ને એવું તો કેટલુંય છે કે જે આપણે ઈચ્છયું હોય અને ના થયું હોય.

અમુક વાર ઘટનાઓ બને એના પર આપણો કંટ્રોલ હોતો નથી ને અમુક વાર આપણે જે ડીસીઝન કર્યો હોય એ ખોટો ઠરે કે આપણને એવું લાગે કે એ ખોટો નિર્ણય હતો.

આ બધી જ પરિસ્થિતિમાં ડંખને સાચવી, ધીમે ધીમે કાઢવો એ એક ખૂબી છે જેને પ્રેક્ટીસ કરવાથી સિદ્ધ કરી શકાય એમ છે. (અને એ જ રસ્તો છે)  એ પ્રયોગ કરવા જેવો છે અને એ પ્રયોગ ના કરો તો જે પરીસ્થીતી ગોઠવાઈ છે એ તમે દુ:ખી મને ભોગવવાના છો તો નવતર પ્રયોગ કરીને મનને આનંદમાં શા માટે ના રાખવું?

આપણે ત્યાના જાણીતા લેખકોએ આ જ વાત પર સરસ વાત લખી છે. એમના એક કાજળ ઓઝા વૈદ્ય છે. એમનો લેખ “નિર્ણય પછીનો અફસોસ” રીડ ગુજરાતી પર વાંચેલ હતો. સૌરભ શાહ દ્વારા લખાયેલ આવો જ બીજો એક લેખ વાંચેલ હતો. અહી એની લીંક મુકેલી છે.

http://www.readgujarati.com/2011/07/26/nirnay-afsos/

http://saurabh-shah.com/2009/06/26/afsos/

Posted in Uncategorized | 3 Comments