મન પરના ઉઝરડા ગાલ પર પડે છે.


અમારે એક કરસન કાકા હતા, તે એકવાર મારે એમને મળવાનું થયું તો કહે કે સાલું મારા દાંત, કોઈ કારણ વગર જ ઘસાઈ ગયા. સવારે તમે ઉઠો ત્યારે એવું ક્યારેક થાય છે કે ગાલની અંદરના ભાગમાં છાલા પડ્યા હોય, ક્યારેક જીભ સાઈડમાંથી દાંત વચ્ચે કચરાઈ ગઈ હોય. ક્યારેક તો એવું થયેલું હોય કે આ જે છાલા પડ્યા હોય એમાં થી ચાંદા પણ પડે અને એને રુઝાતા ત્રણ ચાર દિવસ નીકળી જાય. તો આવું કેમ થતું હશે? ગાલની અંદર આવા ઉઝરડા કેમ પડતા હશે?

આનું કારણ છે ટીથ ગ્રાઇન્ડીંગ। આપણે ત્યાં ભારતમાં મેં આના અંગે ખાસ સાંભળ્યું .નથી. ડોક્ટર આને દાંતને ઘસવા એવું કહે છે. એટલે રાતના આપણે ઊંઘમાં દાંતને જોરથી કટાકટાવીએ અને એ દરમિયાન આપણે ગાલનો અંદરનો ભાગ પણ કચરાઈ જાય અથવા ચપટીમાં ભરાઈ જાય. ક્યારેક જીભ પણ કચરાય। તે આવું શાને થતું હશે? એનું કારણ છે ટેંશન। ચિંતા અને મનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી બેહદ ભયાનક એવી ભાવના કે થશે જેના પાર મારો કોઈ કંટ્રોલ નથી. દિવસ દરમિયાન તમે શાંત હોવ, તમને એવું લાગે કે દુનિયા કે તમારા જીવન પર તમારો ખુબ કાબુ છે તો પણ તમે જો રાત્રેદાંત કટાકટાવો તો એનો શું અર્થ? એનો એક અર્થ એવો કે મનના ઊંડાણમાં તમને હજુયે કોઈક ભય સતાવે છે, તમારી જાણ બહાર, તમારા કોન્સિયસની બહાર, એક એવી કોઈક વાત છે એવી અકળ અકળામણ છે જે સપાટી પર નથી આવતી પણ આવી વિચિત્ર રીતે પ્રગટ થાય છે. મન પરના ઉઝરડા ગાલ પર પડે છે.

આનો ઉપાય ખરો? તમારે ખરેખર મનથી સ્વીકારવું રહ્યું કે જે થાય છે એ બરાબર છે. ઈર્ષ્યા, અસંતોષ, અભાવ, પોતાની અત્યારની પરિસ્થિતિ એ બધાને સંપૂર્ણ રીતે સ્વીકારવું તો ખરી રીતે તમે શાંત થઇ શકો. ઉંમર સાથે એવી પરિપકવતા આવતી હોય છે અને તમારા ચિત્તમાં એવી શાંતિ સ્થપાય અને એવો શાંતિનો રણકો તમારા અવાજમાં, વર્તુણકમા એ વર્તાય। ઇચ્છાનો નાશ કરવો અને ઈચ્છા તમામ પ્રશ્ર્નોનું મૂળ છે એમ ધારાવાને બદલે જે પરિસ્થિતિ છે એને સ્વીકારવી અને એ પરિસ્થિતિ તમને વિચલિત કરી શકે એમ નથી એવી વિચારસરણી મનને શાંત રાખી શકે ખરી.

Advertisements
Posted in Uncategorized | Leave a comment

પ્રોક્રેસ્ટિનેશનની માયાજાળ


સાયકોલોજીના ક્ષેત્રે પ્રોક્રેસ્ટિનેશન બાબતે ઘણું જ સંશોધન થયેલ છે. પ્રોકેસ્ટિનેશન માટે ગુજરાતીમાં કોઈ ખાસ શબ્દ નથી કે મેં સાંભળ્યો નથી. મોકૂફ રાખવું કે ઢીલ મુકવી એવું બધું કહી શકાય। પ્રોક્રેસ્ટિનેશન બાબતે મારુ માનવું એવું છે કે એને જો સંકલ્પ કરો તો નથી શકાય એમ છે. પ્રોકેસ્ટિનેશન  એ લોખંડ પર જેમ કાટ ચડે અને લોખંડને ખરાબ કે નકામું કરી નાખે એમ  લાગેલો કાટ છે. એને જો નાથોના તો જીવનના કેટલાયે મહત્વના માઈલસ્ટોન ગુમાવી શકો અને જીવન અવળે પાટે ચડી જય શકે.
મને પ્રોકેસ્ટિનેશન કરવાની ભયાનક આદત અને લત છે. સમજો કે વ્યસન જ છે.  એવું વ્યસન જે જીવનના અમૂલ્ય વર્ષો વેડફી શકે, પૈસા, તબિયત અને સંબંધોનું પારાવાર નુકશાન કરાવી શકે. સાથે સાથે મન ઉપર ભયાનક બોજો બનીને રહી શકે. એક વાર પ્રોક્રેસ્ટિનેશનની ગિરફ્તમાં આવી જાઓ એટલે એ કામ તમને ઠીક કરવું હોય તો પાછા વર્ષો લાગે અને અમુક કામો કે પરિણામો રિવર્સ કરી જ ના શકાય એવા હોય છે.
તે હવે એઆ બધી ફિલોસોફીના અંતે આપણે શું કરવું જોઈએ? મારા પોતાના ઉપાયો નીચે મુજબના છે.
પહેલી વાત તો એ કે સમસ્યાને જડમુળથી ઉખેડવી. ધારોકે કોઈક કામ જે નાગમતું આવ્યું છે તો એવું ફરી ના થાય એવું શક્ય છે ખરું? શક્ય હોય ત્યાં સુધી ફરી એવું થવા જ ના દેવું કે વાત વધી જાય.
ઇન્કમ ટેક્સ ભરવાના કાગળિયા ભેગા કરવા એ એક મહાન પ્રોક્રેસ્ટિનેશનનું ઉદાહરણ છે.
ધારોકે ઘરમાં ગેસ બગડ્યો છે અને એની સ્વિચ શોધીને કશું કરવાનું છે. વર્ષો સુધી એ કામ ના થાય એમ બને.
બારીને ઉખાડી અને એની જગાએ લાપી ભરવાની છે (કોકિંગ). તો એ કામ વર્ષો સુધી પડી રહે પછી ભલેને બારીમાં થી ઉંદર ઘરમાં આવવા માંડે. એટલે
એવા કામો કે જે કરવામાં ભયાનક કંટાળો આવતો હોય પણ એ કરી શકાય એવા હોય તો એવા ઉભા થવા જ ના દેવા. ઉભા થાય એવા ધરમૂળથી જ દાબવા કે ફરીથી એવો પ્રસંગ આવે જ નહિ. એવા કામો શક્ય હોય ત્યાં સુધી ધ્યાન રાખીને ઉભા ના થવા દેવા. એવો પ્રસંગ ના આવવા દેવો..મારા માટે એવા કામો  છે જે હું ટાળું છું પણ એવા કામોને અટકાવી શકાય હોત? એવા કામોના મારી દ્રષ્ટિએ બે પ્રકાર છે જેને હું ટાળું  છું। .
એક પ્રકાર એવો કે જેમાં તમે ભરાઈ પડ્યા હોવ અને તમારા ખોળામાં પ્રસાદીની જેમ આવી પડે. અને એવા અચાનક આવી ચડે કે તમે બીજા હજ્જારો કામમાં પરોવાયેલા હો ત્યારે જ. ધારો કે અમારો કે ભાડુઆત છે એનું નામ બશીર છે. એને અમને એના એસી, પ્લમ્બિંગ એવું બધું કેટલુંયે રીપેર કરવાનું કહ્યું।. અમે એ બધું રીપેર કરી પણ નાખ્યું। અને હવે એને વકીલની નોટિસ ફટકારી છે. અમેરિકામાં વકીલની નોટિસ તમારે ગંભીરતા પૂર્વક લેવી પડે. એનો અર્થ એવો નહિ કે આપણે સ્ટ્રેસમાં આવી જઈએ કે સતત એ વાતનું ટેંશન કર્યા કરીએ। એ વાત કે આવું કૈક થાય તો એવી પરિસ્થિતિમાં મનને શાંત કઈ રીતે રાખવું એ બીજી વાત છે. એ ફરી ક્યારેક।. પણ મૂળ વાત એમ છે કે તમારે હવે એ નોટિસના જવાબ સ્વરૂપે તમારા જુના કેટલાયે ઈમેલ, કાગળો બધું તપાસી અને કોર્ટ માટે એક સંપૂર્ણ તૈયારી કરવી પડશે। આ કામ હું પ્રોક્રિસ્ટિનેટ કરું છું કે મોકૂફ રાખું છું કારણકે મને આ કામ કરવાનો ભયાનક કંટાળો ચડે છે અને એમ થાય છે કે આવું કામ માથે શેને કારણે પડ્યું છે? અને આ બધું લાબું પહોળું ગોઠવીશું છતાંયે આપણો આઈડિયા ના ચાલ્યો તો પછી શું થશે? એટલે આ કામ તમે ઢીલમાં મુખ્ય જ કરો અને ક્યારેય પતાવો નહિ.
Posted in Uncategorized | Leave a comment

ગિલ્ટના કોચલામાંથી બહાર કેમના આવશો?


૧. જે થઈ ગયું છે એને બદલી શકાય એમ નથી

૨. તમે ક્યારેય પરફેક્ટ એટલે કે સંપૂર્ણ વ્યક્તિ નથી

૩. તમને છતાયે લોકોએ પ્રેમ આપ્યો જ છે

૪. તમે તમારી જાતને ફરીથી જીવી શકો છે…જે થઇ ગયું એ ભૂલીને

૫. જે ઘટના બની ગઈ છે એના વિચારો થકી તમે આજે જે થવાનું છે એને મારી નાખો છો

૬. જે કામ ખબર થયું છે એની માફી માંગી લો

૭. છેવટે આપણે આપણી જાતને સો ટકા બદલી શકીએ એમ છીએ

Posted in Uncategorized | Leave a comment

ગીતો સાંભળો ત્યારે…


મારી પાસે એવા કર્ણપ્રિય ગીતોનું લીસ્ટ છે જે સાંભળીને એટલો આનંદ થાય એમ લાગે કે આપણું મન પ્રવાહી થઇ ગયું છે. મન સૃષ્ટિ સાથે તદ્દન તાદ્ત્મ્ય અનુભવે અને સૃષ્ટિના તાલ સાથે એટલો એકરાગ અનુભવાય કે દુનિયામાં જે થઇ રહ્યું છે તે બધું બરાબર છે, દરેક વસ્તુનો ઉકેલ છે અને એકેએક વસ્તુને આપણે ભરી પીશું. આપણું મન જયારે અત્યંત ખુશી અનુભવે ત્યારે હંમેશા આવા પોઝીટીવ વિચારો આવે. જયારે કોઈક આનંદ દાયક ઘટના બની હોય તો એવું અચૂક થાય. એમ થાય કે સામે ભલે ને જંગી અને અત્યંત વિકટ તથા જટિલ પ્રશ્ન હોય પણ આપણે એનો ઉકેલ શોધી કાઢીશું. ભલે ને એના ઉકેલ માટે અત્યંત મહેનત કરાવી પડે પણ છતાયે એવો ઉકેલ મળશે જ.

આવો પ્રચંડ આશાવાદ અને જીવનની અત્યંત કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો જુવાળ હંમેશા કેમ નથી રહેતો? દરેકે દરેક ક્ષણે આપણે હંમેશા સમતોલ મન સાથે ભયાનક અને મગજને-શરીરને તોડી નાખે એવા વિરાટ અને અંત ના આવે એવા, પ્રશ્નો ઉકેલવા માટે આપણે હંમેશા તત્પર કેમ નથી હોતા? અને મન જયારે પ્રવાહી હોય કે ખુબ જ ખુશી થાય એવા પ્રસંગો બને ત્યારે જ એવા વિચારો કેમ આવે છે?

મારા માટે લાગુ પડતી એક વાત છે, અમારે ત્યાં ડલાસમાં સોનું નિગમનો કન્સર્ટ આવેલ હતો. એમાં જયારે એક પછી એક સુંદર ગીતો ગાય ત્યારે મન આવું જ પ્રવાહી થઇ જાય અને અદ્ભુત, સર્જનાત્મક અને નવીન વિચારો આવે જેને જાણીને એમ થાય કે આવા વિચારોને અમલમાં મુક્યા હોય તો કોઈ પ્રશ્નો બાકી રહે જ નહિ. ગીતો એકલા જ નહિ ઘણી બધી વસ્તુઓ તમને આવા સ્ટેજ પર પહોચાડી શકે છે. મારા પ્રત્યક્ષ અનુભવે, ધારો કે તમે રેડ બુલ નામનું સોફ્ટ ડ્રીંક પીધું હોય, કોઈક ખુબ જ ઉત્તેજનાવાળા અને આનંદદાયક સમાચાર મળે, કોઈક સુંદર શો જોતા હોવ, ગીતો સાંભળો, મનગમતી વ્યક્તિને મળો…

હજુ આનો ઉકેલ મળ્યો નથી કે હંમેશા મન આવી એક જ સરખી અને આનંદદાયક પરિસ્થિતિમાં કેમ નથી રહેતું અને કોઈ કોઈ વાર આનંદની લહેરખીથી ખુશ થતું રહે છે? આનો શું ઉપાય હોઈ શકે? ઉપર લખેલ વસ્તુઓ ના થઇ હોય છતાયે મનને પ્રસન્ન અને એ પણ હંમેશ માટે રાખી શકાય ખરું? મેડીટેશન એનો એક ઉપાય હોઈ શકે એવી મારી ધારણા છે પણ એનો પ્રયોગ મેં કરેલ નથી.

Posted in Uncategorized | Leave a comment

અ કુમ્બાસીનો કિસ્સો


અમિત એરિઝોના સ્ટેટથી ડલાસ મુવ થતો હતો એટલે એને ઘર ભાડે રહેવા જોઈતું હતું. એટલે મેં એને એક ઘર બતાવ્યું. ઘર સરસ હતું પણ એમે ઘણા જ રીપેરની જરૂર હતી. જાણે અઢારમી સદીમાં બન્યું હોય એવું.

અમિતને ઘર ગમી ગયું હતું. એમ લાગતું હતું કે કેરીંગટન ડ્રાઈવનું ઘર ભલે બદતર હાલતમાં હતું પણ એને સ્કુલને કારણે ગમ્યું હતું. હવે ઘરમાં ઘણા પ્રોબ્લેમ્સ હતા. ઘરમાં આગળ અને બેકયાર્ડમાં લોન નહતી અને એને બદલે કચરો હતો. ઉપરાંત બાથરૂમ ગંદા અને એના નળ જાણે કે લોઢાથી ટીપીને તાત્કાલિક નાખી દીધા હોય એવા હતા. ઘણે ઠેકાણે લાઈટોના ચાલે, બારીઓમાં પદડા નહિ (અહી એને બ્લાઇન્ડસ કહે છે) એ ગેરહાજર. સહુથો મોટો પ્રશ્ન કે ગેસ એટલે કે રાંધવાનો ચૂલો તો જાણે ઓગણીસમી સદીની શરૂઆતમાં બનાવ્યો હોય એવો.

ઈશ્વરે જો સર્જન કર્યું હોય અને એમાં એક ઓરડો એવો હોય કે જેની મરમ્મત કરવાની બાકી રહી ગઈ હોય તો એ ઘર જાણે કે કેરીંગટન ડ્રાઈવ જોઈ લો. આવા ઘરમાં રહેવાનું અમિતે નક્કી કરી નાખ્યું, મને ડીપોઝીટ પણ આપી દીધી. એનું કહેવું હતું કે આ બધું મારે રીપેર કરાવવું. હવે રીપેર આપણા હાથમાં ક્યાં હતું? એ તો રાજેશે કરવાવું પડે અને રાજેશને પૈસા ખરચવા ના હતા. અમિત મને કહે કે ભાઈ રીપેર નહિ કરાવે તો હું મુવ નહિ થાઉં. મારે ઘર ભાડે આપવું હતું પણ સાથે સાથે ઘર પણ સરસ અને દેખાવડું હોય તો ભાડે આપીએ ને. ઘરમાં ચારે બાજુ બાવા, વંદા અને જુના સાધનો હોય તો એવું ઘર ભાડે કેમનું આપીએ?

મારો પ્રોબ્લેમ એ કે રાજેશ મને પ્રશ્નો પૂછે. આ કેમ રીપેર કરાવ્યું? આ કેમ કરાવ્યું? આનું શું? તો આપણે શું કર્યું? રાજેશને જ બોલી લીધો. આ બકા. તું જ જોઇને કહે કે શું રીપેર કરવું છે? રાજેશ માંડ માંડ સહમત થયો તો ખરો પણ પછી શું? જે દાહ્ડે અમિત આવ્યો ત્યારે ઘર એવું ને એવું. તે અમિત શું કરે? મારે ઘર જોઈતું નથી. અને પછી બબાલો. ભયકંર બબાલો….

 

 

 

Posted in Uncategorized | Leave a comment

બંધારણ…જેમને જેવું ફાવે એવું.


આપણે ઉત્ક્રનીતી જોઈએ તો એમાં એવું જાણવા મળે કે ધારો કે વીસ ખુબ જ આનંદદાયક ઘટના બની હોય અને ફક્ત એક જ એવી સહેજ નેગેટીવ ઘટના બની હોય તો પણ આપણે હંમેશા એ નેગેટીવ પર જ ફોકસ રહીએ. કોઈ પણ નવી વાત આપણે જાણીએ તો નેગેટીવ વાત પર સહુ પ્રથમ ધ્યાન જાય એનું કારણ શું?

ઉત્ક્રાંતિએ એમાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. વાત એમ છે કે ધારોકે આપણે જયારે જંગલમાં રહેતા હતા ત્યારે જો ઘણી જ મજાની વાતો બને તો ખુબ ખુશ થઈએ. પણ ધારો કે શિકારી કુતરો ત્યાં હોય કે એવી કૈક વાત હોય જેનાથી જીવ જતો રહે એવું બને તો? એટલે જ આપણું મગજ એવી રીતે વિકસ્યું કે સારી વાતો ભલે સરસ હોય પણ સહુ પ્રથમ ધ્યાન તો નેગેટીવ કે જેનાથી પ્રોબ્લેમ હોય એના પર જ આપવું. એટલે જ આપણને પહેલા કપી પણ કામની ખરાબ બાજુ પ્રથમ દેખાય.

પણ નવી દુનિયામાં મનને એવું કેળવી શકાય કે જેથી સારી વાતો પ્રથમ જોઈ શકાય. દરેક જણ પોત પોતાના નિયમો બનાવી શકે. મેં મારા પોતાના નિયમો એવા બનાવ્યા છે જે મારા માટે લાગુ પડે.

ધારો કે મનને ના ગમે એવી ઘટના બને છે, જે ફ્રસ્ત્રેશન, સ્ટ્રેસ, અને છેવટે ટેન્શન તરફ દોરી જાય છે. તો એના ઉપાયો શું? મારા, જે મને ફાવે એવા ઉપાયો નીચે મુજબ છે:

૧. ધારો કે પ્રોકેસ્ટીનેશન થતું હોય તો અને કોઈની જોડે વાત કરવાનું ના ગમે એવું હોય તો એને ઇમેલ મોકલી દો.

૨. ધારોકે કોઈની સાથે કામ નથી થઇ શકતું અને અઘરો માણસ છે તો, એવું યાદ કરો કે “Manage your nature”

3. હંમેશા “BE FEARLESS”

૪. પહેલું કામ એક નાનકડું સ્ટેપ લો. જે પણ હોય. ધારોકે મોટું કામ કરાવનું હોય તો એની ફાઈલ પ્રિન્ટ કરો.

૫. કડક માણસો જોડે કામ કરવાના કારણે પ્રોકેસ્ટીનેશન થતું હોત તો બીજાના નામનો હવાલો આપો. કે આમરે તો આને કારણે આવું છે.

૬. જો કોઈ પણ કડક માણસો જોડે કામ કરવાનું હોય અને જો વાતચીત કરાવાનું ચાલુ હોય, તો જ્યાં સુધી છેવટનો નિવેડો ના આવે ત્યાં સુધી કામ પતાવો

૭. સહુથી ખરાબ, કે થઇ થઈને શું થવાનું છે એવું વિચારો

૮. હવે જે કામ કરવાનું છે એ કરવાનું જ છે કે નહિ એ વિચારો. અને કરવાનું હોય જ તો પછી શા માટે કાલે?

આ નિયમો જીવનમાં સ્ટ્રેસ ઓછો કરી શકે. છેવટે એમ વિચારો કે દરેકે દરેક વસ્તુનો ઉપાય છે, ગઈ ગુજરીનો પણ ઉપાય છે. ગયેલા સમયનો ઉપાય પણ છે. હંમેશા ઉપાય છે જ. એ વાત હંમેશા યાદ રાખો.

Posted in Uncategorized | Leave a comment

તાત્કાલિક કામ કેમ થતું નથી?


છેવટે મારે પેલા સોહમને ટકાનું પૂછવાનું તો રહી જ ગયું. મને એ પૂછવામાં મુઠભેડ થવાની શકયતા લગતી હતી. એટલે પછી બીજા થોડા કામો પતાવવાનું નક્કી કર્યું પણ સોહમને ફોન પછી જ કરીશું એવો પ્લાન કર્યો. પછી એવું નક્કી કર્યું કે કાલે સવારે જ વાત કરીશું. પણ સવારે બીજા કામો હતા અને આ કામ મૂળે ગમે એવું હતું નહિ તે એવું નક્કી કર્યું કે સાંજે જ કરવાનું હોય ને ! પછી સાંજે તો આપણે ગેઈમમાં જવાનું હતું. તે વળી પાછુ બીજા દિવસે. તે આમને આમ પાંચ દિવસ વીતી ગયા. છેવટે એ વાત એટલી બગડી કે એમ થાય કે જયારે વાત કરવાની હતી એ જ વખતે કરી લીધી હોત તો.

આમ છતાયે ગમે એટલું નક્કી કરો તો પણ આવા પ્રસંગ બનતા જ રહે છે. જે કામ આજે જ કરવું જોઈએ એ ટાળીને કાલે, પછી પરમ દિવસે, પછી પંદરમાં દિવસે અને છેવટે એ કામ જયારે જવાળામુખીની જેમ ફાટે ત્યારે જેવું થાય એવું કરો. એટલે એ કામ કરવાની આળસ છે એટલે એવું થાય કે પછી કામ કરવાનું નથી ગમતું એટલે?

એમાં એવું છે કે માણસને મારવા કરતા વધુ ડર અણગમતી પરિસ્થિતિનો સામનો કરવામાં લાગે છે. એક વાર બારમાં ધોરણમાં મારે પીલીમની પરીક્ષામાં મારું રીઝલ્ટ આવ્યું નહતુ. અમારા R. J. Patel સાહેબે મને બોલાવ્યો અને મારા દેખાતા જ પેપર તપાસવાના શરુ કર્યું. તે મને તો બેઠા બેઠા પરસેવો વળી જાય. બધું સાચું લખ્યું હોય છતાયે કઈક ભૂલ રહી ગઈ હોય તો એવું ટેન્શન થાય. આ ડર પરિસ્થિતિનો સામનો કરવાની વાત છે.

આપણે કરવાનું કામ ના કરીએ એમાં આળસ સિવાય મુઠભેડનો ડર ઘણે ભાગે ભાગ ભજવે છે. એટલે હું કેટલીયે વાર નક્કી કરું કે આ વખતે છેલ્લી વાર. હવે આવું નહિ થવા દઈએ. પણ થોડા સમયમાં હતા એવાને એવા. હું એક વારની અણગમતી પરિસ્થિતિ ટાળવાને સારું બીજી કેટલીયે વધુ મુશ્કેલીઓ વહોરી લઉં છું. બોસ પાસે પગારની માંગણી ના કરીને વર્ષો સુધી આપણે ઓછા પગારથી જ ચલાવી લઈએ છીએ.

મુળે લોકોને સારું લગાડવા માટે હું એ પ્રકારની વાત જ ટાળું. એને કારણે ફાયદો પણ થાય. આપણે હંમેશા સારા લાગીએ. પણ એને કારણે ઘણી જ અગત્યની વાતો બાજુ પર રહી જાય. અને છેવટે જો એ કામ કરવું જ પડે એવું હોય તો હમણા ટાળવું શું કરવા?

અંગ્રેજી ચોપડીઓમાં આને Procrastination કહે છે. એના પર કેટલીયે ચોપડીઓ લખાયેલ છે અને મનોવૈજ્ઞાનિકોએ PHD કરેલા છે. Procrastination ના કેટલાયે કારણોની શોધ કરવામાં આવી છે. આળસ, કામ ના કરવાની ઈચ્છા, એક સામટું કરી લઈશું એવી મનની ધારણા ને બીજા કેટલાયે સંશોધન થયેલા છે.

મારો સહુથી અગત્યનો પ્રશ્ન છે કે મુઠભેડ થાય કે માથાકૂટ થાય, કોઈકની જોડે કચકચ કરવી પડે એવી હોય, ઉગ્ર દલીલો કરવાની હોય, ભયંકર વાદ વિવાદની શકયતા હોય એવા કામો તરત તો નથી જ પતતા. કોકની જોડે વાત કરતા હોઈએ અને આવો કોઈક વિચિત્ર ફોન આવે તો હું એ તત્કાલ કે તુરંતમાં પતાવી દેવાને બદલે એને રહેવા દઉં. એટલે એ કામ વધુને વધુ વિકરાળ થતું જાય અને એની દુરોગામી અસરો વધુને વધુ ખરાબ થતી જાય.

આવા કામને કેમ પૂરું કરવું? મારા ઘણા મિત્રોને મેં આ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન દરેક વ્યક્તિના જીવનમાં આવે જ. ઘણા લોકો સામા વ્યક્તિની ખાસ સાડાબારી રાખતા નથી. આ આવું જ છે. તમને ફાવે તો ઠીક નહીતર કઈ નહિ. નહીતર એવું કે જસ્ટ ડુ ઈટ. કોઈકની રીત એવી કે રોજ એક નિશ્ચિત સમય એવો ફાળવવો કે ત્યારે જ આવા વિચિત્ર કામો કરવા બેસવાના. ત્યાં સુધી વિચાર પણ ના કરવો કે એ કામ છે. આ બધી સખત ટ્રેનીંગની વાત છે. જયારે ઘમાસાણ માથાકૂટ સામે ઉભી હોય ત્યારે એવું યાદ આવે કે આ વાત મગજ પર હાવી થવા દેવાની નથી એવું કરી શકાય ખરું?

આના ઘણા બીજા રસ્તાઓ પણ છે. કોઈ ઉંચી પદવીવાળા માણસ હોય તો આવું કામ કોકને સોંપી દે. એ પણ એક રસ્તો છે.

તમારી સામે પરિસ્થિતિ ઉભી હોય અને એનો સામનો કરવો ના ગમે એવો હોય તો પણ કરી લેવો જેથી કરીને એમ ના કરવાથી થતા મોટા નુકસાનોમાંથી બચી જવાય. ધારોકે એવું છે કે આપણે અત્યારે પુરેપુરી વાત કરવા માટે તૈયાર નથી. તો જેટલા તૈયાર હોવ એટલી વાત કરી લેવી. કારણકે જો અત્યારે તૈયાર નથી તો કયારેય તૈયાર નથી રહેવાના. ઘણા લોકો મનગમતી છોકરીને પૂછવામાં રહી જાય. કોક વાર અમુક અગત્યની વાત ટાળવાને બહાને છોડી દો, તો એનો અર્થ એવો પણ નીકળી શકે કે આપણે અપ્રમાણિક છીએ. તો ઘણી વાર તમારો ખોટો ઈરાદો છે એવું કારણ વગર પ્રસ્થાપિત થઇ જાય. એટલે ખુલ્લંખુલ્લા અને ચોખ્ખી વાત કરવી હંમેશા આગળ પડે. જો બધું એક જ વારમાં ના ફાવે તો બીજીવાર વાત કરીને સાચો સંદેશ કહેવો પણ વાતને મોઘમ (અધ્યાહાર) રાખવી એ ગુનો કરવા જેટલું ખતરનાક છે. અને ધારો કે એ કામ ખોટું થઇ ગયું તો? તો પછી સુધારવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ કામ ટાળો અને એ આપમેળે સારું થઇ જશે એવું માની લેવા કરતા, તમારાથી થયું એવું પણ તુરંત કર્યું હોય એ સ્ટ્રેટેજી આગળ પડે. દર વખતે આ વાત સફળ રહે એવું જરૂરી નથી. પણ મોટે ભાગે વિચિત્ર કામ ટાળો એના કરતા કામ કરો એ વધુ સારી કાર્યપદ્ધતિ કહેવાય

દરેક નવો દિવસ નવી ટ્રેનીંગ આપે છે. આ ટ્રેનીંગને આત્મસાત કરીને તરત કામ કરી શકાય તો એ મન પરનો વિજય છે. ખરેખર મારી દ્રષ્ટીએ આવું જો સિદ્ધ કરી શકાય તો ખરેખર બહાદુરી એને જ કહેવાય.  છતાયે જો આવો પ્રશ્ન ઉભો રહેતો હોય તો એને સોલ્વ કરવો એ જ સાચો રસ્તો છે.

 

 

Posted in Uncategorized | Leave a comment