ડો. પીયોરનો ક્લાસ


જયારે હું અમેરિકા સ્ટુડન્ટ વિસા પર ભણવા માટે ગયો ત્યારની વાત છે. ભણવાના એક વિષયમાં અમારે એક સાહેબ એનું નામ પીયોર. આમ તો એનો સ્પેલિંગ “PIOTR GMYTRASIEWICZ” એવો થતો હતો. એટલે અટક બોલવાનો તો સવાલ જ નહતો. એટલે આપણે જો અમદાવાદથી આવ્યા હોઈએ તો આપણને એવું લાગે કે આનું નામ પીયોત્ર છે. પણ એને ક્લાસમાં અમને પીયોર કહ્યું. એટલે મને લાગ્યું કે આનો T સાયલન્ટ હશે.

તે હવે વાત એમ બની કે પહેલા દિવસે એને અમને હોમવર્ક આપ્યું. હવે અહીની કોલેજોનું હોમવર્ક એટલે ખાસું લાંબુ પહોળું કામ હોય અને ખાસું વાંચો ત્યારે મેળ પડે. અમારે ત્યાં એલ. ડી. કોલેજમાં અમને આવું ટ્યુટોરીયલ આપે જેમાં દાખલા ગણીને સબમિટ કરવાના હોય. એ દાખલા ખાસ્સા અઘરા હોય. પણ હવે એમાં એવું કે બધું ટીમવર્ક જેવુંયે ખરું. એટલે આપણને આવડે એ આપણે ગણીને રેડી કર્યું હોય નહીતર કોક બીજાએ ગણ્યું હોય એની નોટમાંથી કોપી કરીને સબમિટ કરી દેવાનું. લગભગ બધા જ વિદ્યાર્થીઓ આવી રીતે જ સબમિટ કરે. એટલે એવું નહિ કે દરેકને કશું ના આવડતું હોય તો પણ કોઈ જાતે ગણીને કરવા બેસે નહિ.  સાથે સાથે બીજી (ઉમદા!) વાત એ કે કે તમને ટ્યુટોરીયલ કરવા માટેનો સમય પણ ખુબ જ આપ્યો હોય (સમજો ને કેટલાયે અઠવાડિયા)

અહી અમને પીયોર સાહેબે આવા પ્રકારનું હોમવર્ક આપ્યું અને બીજા દિવસે તો તૈયાર કરીને આપી દેવાનું! હું તો આશ્ચર્યથી ચકિત. મને થાય કે આતો એફ-વન ગાડીની રેસ કરવા બેઠા છીએ કે શું? આટલું જલદી કરીને કેમનું આપી શકીએ જ?

ક્લાસમાં અમે હોમવર્ક સબમિટ કરી દીધું પછી બે કે ત્રણ દિવસ પછી સાહેબ હોમવર્ક તપાસીને ક્લાસમાં તમારું પેપર પાછુ આપે. અમેરિકામાં જયારે હું ભણવા આવ્યો ત્યારે કેટલીયે વાતોની મને નવાઈ ખુબ લાગે. જો કે હજુ તો અનુભવોની શરૂઆત છે. આગળ આગળ તો એવું બધું થવાનું હતું કે આખા જીવનના અનુભવનું ભાથું બંધાઈ જવાનું હતું.

અહી મેં જોયું તો બધા લોકો હોમવર્ક પેન્સિલથી લખે. મને હજુ એ ખબર નથી કે કોલેજમાં બધા લોકો હોમવર્ક પેન્સિલથી કેમ કરતા હશે! તો મૂળ વાત પર પાછો આવું. તો આપણા આ ડો. પીયોરે બધાને હોમવર્ક વહેંચીને ક્લાસ આગળ ચાલુ કર્યો. કોમ્પ્યુટર સાયન્સમાં સ્ટેટ મશીન અંગેનો ક્લાસ હતો. મને થોડો રસ પડે થોડો ના પડે એવું બધું થતું હતું. જો કે એ બોલે એ સમજવામાં કોઈ વાંધો નહતો પડતો.

છેવટે ક્લાસ પુરો થયો પછી ડૉ. પીયોરે એવું જાહેર કર્યું કે ભાઈ, વિરેન શાહ અને વિહંગ યાની મને મળજો. વિહંગની અટક જાની હતી, આપણે અમદાવાદથી જ અને મારો સારો મિત્ર. તે એને જાનીને બદલે જાણી જોઈને યાની કેમ કહ્યું એ ખબર ના પડી. પાછળથી ખબર પડી કે સ્પેનિશ ભાષામાં ‘જ’ને લોકો ‘ય’ કહે. એટલે આ પીયોરને એમ કે જાની છે એ અહી યાની કરીને સંગીતકાર, એના કુળનો હશે. અને જ ને હ પણ કહે. એટલે જો જુલીઓ હોય તો એને હુલિયો એવું કહે. જેલોપીનો (મરચા માટેનો સ્પેનિશ શબ્દ) તો એને હેલોપીનો કહે.

તે હું ને વિહંગ બંને પીયોરની ઓફિસમાં ગયા. તે અમને કહે કે તમારા બંનેના હોમવર્ક એક સરખા છે! તો મને ખબર જ ના પડી. મને થયું કે ભાઈ ગણિતના દાખલાના જવાબો તો સરખા જ હોય ને? તો એમાં શું વાંધો છે. તે પછી અમને કહે કે તમે બે જણાએ કોપી કરી છે. ઓત્તારીની! તે મને એમ થયું કે એક-બીજમાંથી જોઈ જોઈને લખીએ એમાં શું? અમારે તો એલ.ડી.માં તો આખી કોલેજ આવું કરે. તે પછી ડૉ. પીયોર અમને કહે કે આને ચીટીંગનો કિસ્સો ગણી શકાય. એટલે આપણે તો ગભરાયા. પીયોર આગળ અમને કહે કે આ કિસ્સો મારે હવે યુંનીવર્સીટીને આપવો પડશે. હવે વાત ગંભીર થઇ ગઈ હતી.

મારી નજર સામેથી વીજળીની ઝડપે પટ્ટી પસાર થઇ ગઈ. પપ્પાના પી. એફ.માંથી સાડા છ લાખ રૂપિયા સફાચટ કરીને અમેરિકા આવ્યો હતો. અને પછી બીજી જ ક્ષણે એવું લાગ્યું કે વિલા મોઢે ઇન્ડિયા પાછુ જવું પડશે તો? અને હજુ તો આ પહેલું જ વીક, ભણવાનું ચાલુ થયે.

પણ આપણા જાની સાહેબ એકદમ ખત્રુ માણસ. એમનો બાંધો પહેલેથી ભારે (શરીરે દળદાર) પણ સરસ પર્સનાલીટી. અને વાત-ચીત કરવામાં તો ખુબ જ હોશિયાર. એટલે જાની ફટાફટ પીયોરને કહે આમાં એવું છેને સાહેબ કે અમે બે એક જ ગામમાંથી (ગામ એટલે અમદાવાદ!). અને અહી હજુ શરૂઆત જ છે, આવી તો અમને ખબર જ નહિ. પીયોર ભલો માણસ. એ બી જાણે કે આ દેસી લોકોમાં આવું ધુપ્પલ ચાલે છે. એ કહે આ પહેલી અને છેલ્લી વાર છે…અમે બે તો એકી સાથે બોલી ઉઠયા: સો ટકા, પહેલી અને છેલ્લી વાર.

આમાં એવું કે હોમવર્કની દાખલા ગણવાની પદ્દ્ધ્તી કઈ છે એ બધા પરથી સાહેબને ખબર પડી જાય કે આપણે કોપી કરી છે કે નહિ નહીતર મારામાં અને જાનીમાં બંને જણના એક દાખલામાં ૩ વત્તા ૬ બરાબર દસ કેમનું થયું હશે!

પછી તો અમને ખબર પડી કે એક વિષય હતો: “Data Structure and Algorithms” એનો પ્રોફેસર, ડો. હોલ્ડર. એ એના ક્લાસમાં ચાર જ પ્રોગ્રામ લખવા આપે. (અમારે એ બધા C++ની કોમ્પ્યુટરની ભાષામાં લખવાના હોય) એ ખુબ જ અઘરા હોય. અને એની પાસે એક એવું સોફ્ટવેર કે જે એવું શોધી આપે કે કોઈ પણ બે પ્રોગ્રામ વચ્ચે કેટલા ટકા સામ્યતા છે. અને જો એ સામ્યતા પચાસ ટકા ઉપર નીકળે તો તમારે એને એની સમજણ આપવી પડે કે આવું કેમ છે. એટલે બધા વિદ્યાર્થીઓ પ્રોગ્રામ બીજા મિત્ર જોડે ડિસ્કસ કરતાંયે અચકાય. પણ તમે ડિસ્કસ કરો તો કોઈ પણ હિસાબે પ્રોગ્રામમાં સામ્યતા રહે નહિ કારણકે તમે પોતે જયારે પ્રોગ્રામિંગ કરો ત્યારે એની પદ્ધતિ તો બદલાઈ જ જાય.

તે આ મારા ભણવાની હજુ તો શરૂઆત જ હતી. ત્યારે મને એક સમયે તો એવું લાગ્યું કે આ સાહિત્યનો હું માણસ અને કામ કરવાનું વૈજ્ઞાનિક જેવું. એટલે જાણે પેલા આપણા ઉપેન્દ્ર ત્રિવેદી (ગુજરાતી કલાકાર)ને ત્રિકોણમિતિના પ્રમેયો કરવા બેસાડ્યા હોય તો કેવું થાય, એવું મને લાગે.

પણ હવે જીવનના નવા તબક્કાની શરૂઆત થઇ ચુકી હતી. અમેરિકાનો વિસા મળે ત્યારે એમ લાગે કે એક મહાન કામનો અંત આવ્યો છે અને એક સોપાન પૂરું થયું છે. હકીકતે એક નવા સોપાનનું આ પહેલું પગથીયું હતું.

Advertisements

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s