ઉદ્વેગના ઈમોશનલ ચાબખા


પરિસ્થતિ પર આપણો કંટ્રોલ હોય તો જોઈતું હતું જ શું? તમારે મન પર ઈમોશનના ચાબખા પડે જ નહિ.

ગાડી ચલાવતા ચલાવતા પેટ્રોલનો કાંટો ધીમે ધીમે એમ્પ્ટી તરફ સરકે છે. અચાનક મારી નજર એ કાંટા પર પડે છે. પણ એથી હું જરાયે વિચલિત કે શિયાવિયા થતો નથી. મનમાં એક ક્ષણ માટે સાધારણ કંપારી પણ છુટતી નથી. પેટ્રોલ ક્યાં ભરાવવું એની બરાબર ખબર છે ને એનાથી મનને ટેન્શન થતું નથી…

તો પછી બીજી કેટલીયે નાની મોટી વાતો કેમ ટેન્શન આપી જાય? મનને નાનો-મોટો ઉચાટ કે ઉદ્વેગ શા માટે આપે? ઘરેથી બહારગામ જવા નીકળીએ ત્યારે કેટલું બધું કામ હોય! અને ત્યારે ઘરથી સમજોને ૫૦ માઈલ દુર આવી ગયા હોયને એમ થાય કે હાય રે, ગેસ ચાલુ રહી ગયો હશે તો? અને પડોશીનો નંબરે ય લીધો નથી. જો એ ઘટના સાચી લાગે તો બે ઘડી તો તમ્મર આવી જાય!!

જે ઉચાટ સતત અને હંમેશા મનની સાથે પડછાયો બનીને રહેતો હોય એવા ઉચાટોનું મુખ્ય કારણ એ હોય છે કે મન એ ઘટનાના વિચારો કરી કરીને એટલું બધું થાકી ગયું હોય પણ કોઈ પણ ઘડીએ મનને જંચે એવો ઉપાય તો મળતો જ નથી. એટલે વારે-ઘડીએ એવા અણગમતા આઉટકમને યાદ કરી કરીને મન સતત માંહેથી બળ્યા કરે છે.

અમારે ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. નામ યાદ નથી આવતું, લગભગ “મંગુ” એવું નામ હતું. એમાં એક અપંગ બાળકીને એના ભાઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે છે. પણ એની માં એ ઘટનાથી ખુબ જ દુ:ખી થઇ જાય છે. એને આખી રાત એવા જ વિચારો આવે છે કે મંગુને ત્યાં કોણ ખવડાવશે, કોણ એની કાળજી લેશે? અને એનો કોઈ જ ઉપાય બાને મળતો નથી. અને વિચારોની વણઝાર બાને એટલી તો મૂંઝવે છે કે વિચારોથી થતો ઉદ્વેગ અને ઉચાટ મન પર એટલો બધો ભાર નાખે છે કે એ જીરવી શકતો નથી.  મન સતત  બળ્યા કરે છે . છેવટે સવાર સુધીમાં તો બા એ ઉદ્વેગની અસર હેઠળ ગુજરી જાય છે.

ઉદ્વેગની તીવ્ર અસર આટલી ફેટલ (એટલેકે જીવલેણ) નીવડી શકે. આપણને આવો ઉદ્વેગ થાય તો? જે મનનો પીછો છોડે જ નહિ. કોઈક વાર એવું થાયે ખરું.

ડો. એલ્માંસરી અમારા ડેટાબેઝના પ્રોફેસર હતા. એમને અમને એક રીલેશનલ ડેટાબેઝ આધારિત એક પ્રોગ્રામ લખવાનું હોમવર્ક આપ્યું. તે એવો અઘરો પ્રોગ્રામ કે ખબર જ ના પડે કે શરુ કેમનું કરીશું. પેલા એક સુમિતને પૂછ્યું તો એને સમજાવ્યું પણ આ બધા એસાઈન્મેન્ટ એવા તે લાંબા પહોળા અને કોમ્પ્લેક્ષ્ હોય કે આખા બ્રહ્માંડની રચના કરવાની હોય અને સુમિત તમને એના એક પરમાણુ જેટલું જ્ઞાન આપે. અને આ બધામાં સમય એટલો તો ખૂટે કે ત્યારે જે ઉચાટ થાય એ જ્યાં સુધી કમ પૂરું ના થાય ત્યાં સુધી સતત એ વાત તમારા મનને જકડી રાખે.

જે વસ્તુનો ઉપાય ના મળતો હોય એ વાત જ સતત ઉચાટ આપનારી બલા છે. અમારે નોર્ટેલમાં લે-ઓફ થતા હતા ત્યારે સતત આવો જ ઉચાટ રહે. બધાને એમ થાય કે આપણો નંબર લાગશે તો શું કરીશું? એ ઉચાટ થાય એનું કારણ એ હોય કે આપણને એવું લાગતું હોય કે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જશે તો? મનનું એવું છે કે પાસે કશું ના હોય ત્યારે કશુક મળે એનો પારાવાર આનંદ થાય અને પછી એ મળી જાય તો એ જતું ના રહે એ માટેની ઇન્સીક્યોરીટી ઉભી થાય.

કોઈક વાર એમ પણ લાગે કે “હે ભગવાન, મારી સાથે જ આવું કેમ? જે ડીપાર્ટમેન્ટ કે કંપનીમાં જઈએ ત્યાં અચાનક જ નફો કેમ ઘટી જાય છે?” હકીકતે મન પોતાને ગમે એવી પેટર્ન આપમેળે જ ગોઠવાઈ કાઢે છે જેને તમારી સાથે કોઈ લેવા દેવા ના હોય તો પણ.

અને મનનું તો એવું છે કે જયારે એ જુદા જુદા આઉટકમ ગોઠવી ગોઠવીને સામાન્ય પરિસ્થતિનો ય એટલો મોટો હાઉ ઉભો કરી દે કે કાલ્પનિક તુક્કો વાસ્તવિક લાગવા માંડે અને એ તુક્કો એમનેએમ બેઠો બેઠો માણસને ડરાવે. મન જેટલી સિફતથી મુશ્કેલીમાંથી માર્ગ કાઢે એટલી જ સિફતથી તુક્કાઓ ગોઠવીને ડરી પણ એટલું જ જાય. ક્યારેક તો વાસ્તવિકતા કરતાંયે વધુ બિહામણા દ્રશ્યો મન ઉભા કરી દે. જે વાત કદાચ થાય એવી હોય જ ના છતાંયે ઓવર કોશીયશ થઈને માણસ પોતાનું (અને સાથે સાથે ફેમીલી, મિત્રોનું ય) સત્યાનાશ કરી નાખે.

ડો. એલ્માંસરીનો પ્રોગ્રામ સબમિટ કરવાનો હોય કે નોર્ટેલને ખોટ જાય ત્યારે આપણે સતત ઉદ્વેગના બોજમાં દબાયેલા કેમ રહીએ છીએ?

તે આવું થાય તો કરવું શું? એક વાત એવી કે જયારે પણ ઉચાટ થાય એવું લાગે કે તરત એને ઓળખાવો જોઈએ. જેટલું મન ઉચાટને ઓળખી શકે એટલો એનો ઉપાય સહેલો. ઉચાટને ઓળખી શકાય ખરો? આમ તો એવું લાગે કે એમાં શું મોટી વાત છે? પણ આ વાત જેટલી સરળ દેખાય એના કરતા વધુ ઊંડી છે. તમે ઉચાટ થયો છે એવું વિચારો ત્યાં સુધીમાં તો ઉચાટના વિચારોમાં ખુબ જ ઊંડા ઉતરી ગયા હોવ છો. પ્રેક્ટીસ કરીએ તો ઉચાટને તરત ઓળખી શકાય ખરો પણ ઉચાટ ઓળખ્યા પછી શું? એનો ઉપાય કરવો.

ઉપાય દેખીતી રીતે ખુબ જ સરળ છે. ઉચાટનો વિચાર કરવો જ નહિ. પણ એવું કઈ રીતે શક્ય બને? ગાડી માટે પેટ્રોલ ગમે ત્યારે (મોટે ભાગે!) મળી જ જાય એવી ગેરંટી જો દરેક વાતમાં હોય તો ઉચાટ થાય નહિ. પણ એવી ગેરંટી બધી વાતમાં નથી હોતી. તે મન એવું સ્વીકારવા તૈયાર થાય જ નહિ કે આ ઉચાટને હવે મૂકી દો. પણ મનને કેળવી શકાય તો ખરું. એમાંય જે વાત વારમવાર થતી હોય એવા ઉચાટને તો ચોક્કસપણે પકડી શકાય.

જો ઉચાટનો ઉપાય ગમે એવો ના હોય ત્યારે ઉચાટને નાથવો ખુબ મુશ્કેલ બને. અમારે જયારે ઘર લેવું હતું ત્યારે અમે જોબની નજીક એક પ્લેનો નામના સીટીમાં ઘર શોધતા હતા. હવે પ્લેનોમાં ઘર ખુબ જ મોંઘા અને જોઈએ એવા તો મળે જ નહિ. પછી મારા એક મિત્ર નરેન મને કહે કે પ્લેનોમાં ઘર શોધવાનું રહેવા દે. મેલ પડશે નહિ. એલન સીટીનો પ્રયત્ન કર. અને અમને એલનમાં ઘર મળી પણ ગયું. આપણે જ્યારે એવું સ્વીકાર્યું કે પ્લેનોમાં ઘર મળે નહિ અને એલનમાં યે ઘર લઇ શકાય કે તરત જ પ્લેનોમાં ઘર નહિ મળે એ અધીરાઈ ગાયબ થઇ ગઈ. ડીસીઝન થઇ ગયો અને આ કિસ્સામાં એ ડીસીઝન મને સ્વીકારી પણ લીધો. અને ખાધું પીધુને રાજ કીધું!

પણ દરેક ઉચાટમાં આવો ઉપાય મળે ખરો? ધારો કે તમારી જોબ છુટી જાય તો? તો પછી હું કેનેડા જઈને રહીશ પછી ત્યાં શું કરીશું? કે પછી ઇન્ડિયા જતા રહેવું પડે તો? મન પાછુ ને પાછુ ત્યાં જઈને જ અટકે. એટલે ત્યાં જઈને શું કરીશું? મારે એકલા જ કેમ જવું પડે છે કે જવું પડ્યું? એવું કોઈ પણ હિસાબે મને સ્વીકાર્ય નથી? કારણકે આપણે આપણું મન ખુલ્લું રાખ્યું જ નથી. મનની દ્રષ્ટિએ એ ઉપાય ભલેને ચાલે એવો હોય પણ મન એવું નથી કરવું એવું જ વિચારે.

પણ ધારો કે એક ક્ષણ માટે પણ હું એ ઉપાય સ્વીકારી લઉં તો? તો પછી એમ થાય કે ભલે ને જે થવું હોય તે થાય, મને ક્યાં ચિંતા છે? એવું હશે તો ઇન્ડિયા જતા રહીશું. ક્યાં પારકો દેશ છે? અરે ઉડતું ઊંડે ઊંડે ઇન્ડિયા જવાનો આનંદ પણ હોય, આપણે અહીના (ઇન્ડિયા)ના જ છીએ અને અહી જ પાછા આવ્યા છીએ.

કારણ એ છે કે આપણે મનને OPEN રાખતા નથી. અને અમુક ઓપ્શન જાણે અસ્પૃશ્ય જ છે એવી રીતે વર્તીએ છીએ. I am man of pride. I can’t do this. એ એટીટ્યુડ આપણને તોડી નાખે છે. જે પર્યાય એક્સેપ્ટ કરવાથી ઉચાટનો નાશ થતો હોય તો એ ઉચાટનો નાશ શું કામ ના કરવો જોઈએ? કારણ કે એથી આપણા મનની મુરાદ પૂરી નથી થતી. પણ ઉચાટ કરવાથી યે મનની મુરાદ પૂરી થવાની નથી. તો જે ઉપાયો છે એમાંથી એકાદ કરીશું એવું નક્કી કરી લીધું હોય તો તમારા જીવનમાં ઉચાટની જે છાયા પડી હોય એ તો દુર થઇ જ જાય.

અમારે ઉનાળામાં એક વાર એ.સી. બગડ્યું. તે પારાવાર ગરમી અને રીપેર ક્યારે થશે એનો કોઈ અંદાજ નહિ. તે રીપેર થતા થતા તે એટલી બધી માથાકૂટ થઇ કે જયારે બીજો ઉનાળો આવ્યો ત્યારથી જ મનમાં ભય, કે ગરમીનો પારો ઉપર જશે તો મારા એ.સી.નું શું થશે? તે એમાં મને એક ડાલ્ટન કરીને ટેકનીશીયન મળી ગયો. કિફાયતી (!) અને હોશિયાર. તે હજુ તો ઉનાળો શરુ થાય એ પહેલા તો એ.સી.ને સર્વિસ કરાવી નાખ્યું. કોઈલ ક્લીનથી માંડીને ફ્રીયોન. હવે ઉનાળાનો પારો ઉપર જાય તો યે મારું મન શાંત રહે છે (ઉચાટ થતો નથી). ડાલ્ટનનો નંબર મારી પાસે હાથવગો જ છે. જો કશું પણ થાય તો ડાલ્ટન હાજર છે. અને પછી તો એવું કે ધારોકે ડાલ્ટનથી ના થયું તો? તો એ.સી. બદલીશું. એમાંયે શું વાંધો? પણ આવી સમજ જો કેળવી ના હોય તો કેવો ઉચાટ થાય? એવો ઉચાટ કે જે વાસ્તવિકતાથી યે વધુ કડવો હોય!

એ સમજ એવી કે દરેક વસ્તુનો ઉપાય છે. એ ઉપાય ગમે એવો ના હોય તો યે એ સ્વીકારવામાં આવે તો ચાલી શકે. એ તમારો ઉચાટ દુર કરી શકે ખરો. હવે ઉપાય મળે એવો ના હોય તો? પછી જે થવાનું હોય એ થાય. જો કશું કરી શકાય એવું હોય તો કર્યું જ હોય, પણ બધા જ ઉપાયો અજમાવી લીધા પછી હાથમાં કશું રહેતું ના હોય તો જે થવાનું હોય એ જ થવાનું છે ને! તે એવું પહેલેથી સ્વીકારી લેવું શું ખોટું? આવી સમજ આપણા મનમાં કોન્ફીડન્સ ઉભો કરે.

“હું ઇન્ડિયા પાછો ફરી જઈશ જો મારે એચ-૧ વિસા રીન્યુ ના થાય તો” તો એને કોણ ડરાવી શકે? તમારી વિચારસરણી જ એવી કેળવાય કે જે પરિસ્થિતિ છે એને જોઈ લઈશું, તો ઉચાટ ના થાય. આ વાત કહેવી એટલી કરવી સરળ નથી. ભગવાન બુદ્ધે કહ્યું છે એમ કે મોહનો ત્યાગ કરો. પણ માણસ એમ મોહનો ત્યાગ સરળતાથી કરી શકતો હોત તો દુ:ખી થાત જ નહિ.

ઉચાટ દુર કરવો છે એ વાત કરવાની ઈચ્છા પણ હોવી જોઈએ અને એની પ્રેક્ટીસ પણ કરવી પડે. પણ શું થશે, એની ફડક જો રહેતી હોય તો ઉદ્વેગને પછાડવો બહુ અઘરો છે. એ ફડક દુર કરવી એ જ આ આખી વાતનો સાર છે.

અને જેનો ઉપાય પહેલેથી કરી શકાય એવો હોય એવી વાત થવા જ ના દેવી. ડો. એલ્માંસરીના પ્રોજેક્ટનું કામ પહેલેથી જોઈ રાખ્યું હોય તો ઉચાટની માત્રા ઘટાડી શકાય. કે પછી એ.સી. રીપેરની પરિસ્થતિ આવે તો શું કરવું એ રેડી જ રાખેલું હોય.

ઉચાટ કે ઉદ્વેગ કે ટેન્શન….છેવટે એક જ વાત પર આવે છે કે જે થાય છે એને સ્વીકારો. તમારાથી થાય એટલું કરો પણ વિષાદ ના કરશો. આ વાતો શાસ્ત્રોમાં લખી જ છે. શાસ્ત્રોમાં કેટલીયે વાતો લખી છે પણ તમારા સ્વભાવને અને તમારી પરિસ્થતિને એમાંથી કઈ વાત લાગુ પડે છે એ તમારા સિવાય બીજું કોણ જાણે?

ઉચાટ જયારે કંટ્રોલમાં હોય ત્યાં સુધી વાંધો નહિ. એવો ઉચાટ તો જરૂરી છે નહીતર જરૂરી કામો ય પુરા ના થાય. પણ એ જયારે કંટ્રોલની બહાર હતો રહે, મનને બોજો લાગવા માંડે ત્યારે એ ઉચાટને ઓળખવો અને એને હાવી થવા દેવો નહિ. ઉચાટ ઉભો જ ના થાય એ પ્રથમ પગથીયું છે. ઉચાટ ઉભો ધારો કે થઇ ગયો તો એનો ઉપાય કરી લઈશું એ કોન્ફીડન્સ બીજું પગથીયું છે. અને ધારોકે ઉપાય છે જ નહિ તો જે થશે એ થશે એવો સ્વીકાર એ ત્રીજું પગથીયું છે.

About વિરેન શાહ

મારા બ્લોગ પર આપણું સ્વાગત છે. હું મૂળે અમદાવાદનો અને યુંએસેના ડલાસ શહેરમાં રહું છુ. મારા વિચારોને અહી બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરું છુ. આપનો અભિપ્રાય આવકાર્ય છે.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to ઉદ્વેગના ઈમોશનલ ચાબખા

  1. Purvi કહે છે:

    Hi Viren,

    Nice write up. Ketla time pachhi Gujarati ni text book koie yaad kari…
    That lession was “Lohi ni Sagai” by Gulabdas broker?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s